1. Home
  2. ગુજરાતી
  3. વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા
વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

0
Social Share

(સુરેશભાઈ ગાંધી)

– ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા.

– ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી.

– ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો.

– ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં.

– ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના કરી.

– ૧૯૮૭માં નાણા પ્રધાન વી.પી. સિંહે કોંગ્રેસ છોડી રાષ્ટીય મોરચો રચ્યો

– ૧૯૯૯માં શરદ પવાર, તારીક અન્વર અને પી.એ. સંગમાએ કોંગ્રેસ છોડી NCPની સ્થાપના કરી.

વાચકમિત્રો, અગાઉના `રિવોઈ’ના અંકમાં આપણે જોયું કે, ૧૯૦૭માં કોંગ્રેસમાં થયેલું વિભાજન બે વિચારધારા અને બે કાર્યપદ્ધતિ બાબતે થયું હતું પણ ૧૯૬૯માં થયેલું વિભાજન તો બે જૂથોના માત્ર હઠાગ્રહને કારણે થયું હતું. આ લેખમાં આપણે કોંગ્રેસમાં થયેલા આ શરમજનક વિભાજન વિષે જાણીએ.

પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુજીએ; પોતે જીવિત હતા ત્યારે જ તેમનાં પુત્રી ઇન્દિરા ગાંધીને કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ બનાવી દીધેલાં પણ ૧૯૬૬માં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના દુઃખદ અવસાન બાદ શ્રીમતી ઇન્દિરા ગાંધી જ વડાપ્રધાન બની ગયાં. સન ૧૯૬૭માં દેશની સામાન્ય ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને લોકસભામાં માંડ માંડ બહુમતી તો મળી, પણ ૧૧ જેટલા પ્રદેશોમાં કોંગ્રેસવિરોધી સરકારો રચાઈ ગઈ. ઇન્દિરાજીએ આ પરાજયના દોષનો ટોપલો પોતાના માથે લેવાને બદલે પાર્ટી સંગઠન (સિન્ડિકેટ) પર નાખી દીધો. પરિણામે કોંગ્રેસમાં બે વિરોધી વિચારજૂથો વિકસવા માંડ્યાં. એક જૂથ ડેપ્યુટી વડાપ્રધાન મોરારજી દેસાઈ જેવા વરિષ્ઠ અને અનુભવી નેતાને આગળ કરવા માંગતું હતું તો બીજું જૂથ નહેરુજીની પુત્રી ઇન્દિરા ગાંધીને આગળ કરવા માંગતું હતું. કોંગ્રેસ પક્ષમાં તે સમયના પક્ષના પ્રમુખ કામરાજ નાદરે ઇન્દિરા ગાંધીને આગળ કરવા ઝુંબેશ ચલાવી. કામરાજ નાદર જેવા કોંગ્રેસી નેતાઓ માનતા હતા કે, બિનઅનુભવી ઇન્દિરા ગાંધીને આગળ કરવાથી આ જૂથની ઇચ્છા મુજબની રાજનીતિ ચાલી શકશે, પણ બન્યું ઊલટું જ. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં અભ્યાસ કરતી ઇન્દિરાને પ્રિયદર્શીની જેવું લાડકું નામ આપ્યું હતું તો રાજનારાયણ જેવા ખેલાડી નેતાઓએ ઇન્દિરા ગાંધીને ગૂંગી ગુડિયા પણ કહી હતી પણ આગળ જતાં આ જ ગૂંગી ગુડિયાએ કોંગ્રેસમાં મોટું ઘમસાણ મચાવી દીધું અને કોંગ્રેસ ફરી એકવાર બે ફાડિયાંમાં વહેંચાઈ ગઈ. કોંગ્રેસના બીજા વિભાજનની ઘટના આ પ્રમાણે બની હતી.

  • ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

નવેમ્બર ૧૯૬૯માં કોંગ્રેસની પાર્લામેન્ટરી બોર્ડની બેંગલુરુમાં મળેલી બેઠકમાં દેશના રાષ્ટ્રપતિ પદ માટે થનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે નીલમ સંજીવ રેડ્ડીનું નામ નક્કી કરવામાં આવ્યું. કોંગ્રેસના મોવડી મંડળે બનાવેલા ઉમેદવાર સંજીવ રેડ્ડીના ઉમેદવારી પત્રક પર પ્રસ્તાવક તરીકે ઇન્દિરાજીએ પણ સહી કરી હતી, પણ તેમના મનમાં કોઈ બીજું જ નામ ચાલતું હતું. અંદરખાને ઇન્દિરાજીને સંજીવ રેડ્ડીનું નામ પસંદ ન હતું. તેમના જૂથે તે સમયના ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિનું નામ ઉમેદવાર તરીકે ચલાવ્યું પણ કોંગ્રેસના પાર્લામેન્ટરી બોર્ડને આ નામ મંજૂર ન હતું. અહીંથી પાર્ટીમાં વિખવાદ શરૂ થયો. હવે ઇન્દિરા ગાંધીના જૂથે વી. વી. ગિરિને રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા તૈયાર કર્યા. હવે જ્યારે મતદાનનો સમય નજીક આવ્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ પક્ષના અધિકૃત ઉમેદવાર સંજીવ રેડ્ડીને મત આપવાનું કહેવાને બદલે આત્માના અવાજ મુજબ મતદાન કરવાની મતદારોને હાકલ કરી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું સમર્થન ન હોવાથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સંજીવ રેડ્ડી ચૂંટણીમાં હારી ગયા અને અપક્ષ ઉમેદવાર વી. વી. ગીરી ચૂંટાઈ ગયા. આમ કોંગ્રેસના બીજા ભંગાણની ઘડી નજીક આવી ગઈ. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંજીવ રેડ્ડીની શરમજનક હાર ઇન્દિરા ગાંધીની ઘોર અશિસ્તને કારણે થઈ હોવાના મુદ્દે કોંગ્રેસ પ્રમુખ નિજલિંગપ્પાએ ૧૨ નવેમ્બર ૧૯૬૯ના દિને મળેલી કમિટીમાં ઇન્દિરા ગાંધીને જ કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી કર્યાં. ખુદ વડાપ્રધાનને જ પાર્ટીમાંથી દૂર કરવાના કારણે સાચી કોંગ્રેસ પાર્ટી કઈ તે પ્રશ્ન ઊભો થયો. એવું કહેવાય છે કે, તે વખતે ઇન્દિરા ગાંધી બોલેલાં કે જ્યાં હું છું તેને સાચી કોંગ્રેસ ગણવી અને આખી કોંગ્રેસ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ- શાસક કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ અથવા કોંગ્રેસ-આઈ અને કોંગ્રેસ – ઓ. ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ ઇન્ડિકેટ તરીકે ઓળખાઈ જ્યારે મોરારજી દેસાઈ વગેરેની કોંગ્રેસ સિન્ડિકેટ તરીકે ઓળખાઈ. આમ, આખા દેશમાં ધરતીકંપ સમાન શરમજનક ભંગાણ કોંગ્રેસમાં સર્જાયું અને ફરી એકવાર કોંગ્રેસમાં બે ફાડિયાં થઈ ગયાં.

  • ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી

કોંગ્રેસ માટે શરમજનક વિભાજનની એક વધુ ઘટના સન ૧૯૭૫માં બની. સમાજવાદી પક્ષના ઉમેદવાર રાજનારાયણ કે જેઓ ૧૯૭૧ની રાયબરેલી લોકસભાની બેઠક ઇન્દિરા ગાંધી સામે લડ્યા હતા. તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં કેસ મૂકેલો કે, વિજેતા ઇન્દિરા ગાંધી આ ચૂંટણીમાં ભારે ગોલમાલ કરીને જીત્યાં હતાં. હવે ચાર વર્ષ સુધી ચાલેલા આ કેસનો ચુકાદો ૧૨ જૂન ૧૯૭૫ના દિને આવ્યો. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જગમોહનલાલે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી ગોલમાલ કરીને જીતી છે તેવું સાબિત થતાં તેમની લોકસભાની સદસ્યતા રદ કરી દીધી. આ ચુકાદાથી દેશમાં હડકંપ સર્જાયો. હવે લોકસભાની સદસ્યતા દૂર થતાં ઇન્દિરાજીને વડાપ્રધાન પદેથી પણ રાજીનામું આપવાની સ્થિતિ ઊભી થઈ. તેથી દેશભરમાં તેમના રાજીનામાની માંગ થઈ. તો બીજી બાજુ ઇન્દિરાજીના સમર્થકો `ઇન્દિરાજી ત્યાગપત્ર મત દો, લાઠી ગોલી ખાયેંગે – ઇન્દિરાજી કો બચાયેંગે, જગમોહનલાલ મુર્દાબાદ, જયપ્રકાશ મુર્દાબાદ’નાં સૂત્રોવાળાં બેનરો સાથે રસ્તા પર આવી ગયા. ઇન્દિરાજીની સૂચના મુજબ દેવકાન્ત બરુઆએ ઇન્દિરાજી રાજીનામું ન આપે તેવી માગણી કરતાં પ્રતિજ્ઞાપત્રો ભરાવવાનું અભિયાન છેડ્યું. પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ માનતા હતા કે, રાજનૈતિક મૂલ્યો માટે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે ઇન્દિરા ગાંધીના સમર્થકો ઇન્દિરા ગાંધીમાં નિષ્ઠા વ્યક્ત કરતાં પ્રતિજ્ઞાપત્રોમાં સહી કરાવવા સાંસદ ચંદ્રશેખર, કૃષ્ણકાન્ત તથા રામધન પાસે ગયા ત્યારે આ ત્રણેય કોંગ્રેસી સાંસદોએ પ્રતિજ્ઞાપત્રોમાં સહી કરવાની ધરાર ના પાડી દીધી, એટલું જ નહીં તેમણે ઇન્દિરાજીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી સહી ઝુંબેશ પણ ચલાવી. આમ, કોંગ્રેસમાં ફરી એક વાર નૈતિક મૂલ્યોના મુદ્દે નાનકડું ભંગાણ સર્જાયું. અલબત્ત ઇન્દિરાજીએ દેશમાં ગેરવ્યાજબી કટોકટી લાદી અનેક વિરોધીઓ સહિત ચંદ્રશેખર, કૃષ્ણકાન્ત અને રામધનને જેલભેગા કરી દીધેલા.

  • ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો

૧૯૬૯માં કોંગ્રેસ ઇન્ડિકેટ-સિન્ડિકેટના નામે તૂટી ત્યારે ઇન્દિરાજીને મજબૂત સાથ આપનાર પ્રખર દલિત નેતા બાબુ જગજીવનરામે પણ કટોકટી પૂરી થયા પછી ૧૯૭૭માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધેલું અને પોતાના પાંચ મુખ્ય સાથીદારો સાથે કોંગ્રેસ ફોર ડેમોક્રસી (CFD) નામની અલગ પાર્ટી બનાવેલી. આપણે નોંધ લઈએ કે, બાબુ જગજીવનરામનો પરિવાર ખૂબ ધાર્મિક અને દેશભક્ત હતો. બાબુજીના પિતા શોભીરામ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સૂબેદાર હતા. એટલું જ નહીં, તેઓ શિવનારાયણી સંપ્રદાયના મહંત ગાદીપતિ પણ હતા. બાબુજી અને તેમનાં પત્ની ઇન્દ્રાણી દેવીએ સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધેલો. આવા દેશભક્ત અને ઇન્દિરાભક્તને પણ કોંગ્રેસ છોડવી પડી હતી.

  • ૧૯૮૨માં મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવાં પડ્યાં

સૌથી આશ્ચર્યજનક ભંગાણ તો નહેરુ-ગાંધી પરિવારમાં જ થયું. ૧૯૮૦માં એક વિમાની અકસ્માતમાં ઇન્દિરાજીના પુત્ર સંજય ગાંધીનું દુઃખદ અવસાન થયું. સ્વ. સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધી પોતાના પુત્ર વરુણ સાથે ઇન્દિરાજીના નિવાસસ્થાને જ રહેતાં હતાં. પણ રાજીવ ગાંધીનાં પત્ની સોનિયાજીને આ પસંદ ન હતું. તેથી તેમણે ઇન્દિરાજી સમક્ષ માગણી મૂકી કે મેનકા ગાંધીને આ ઘર છોડી અન્યત્ર જવાનું કહી દેવું જોઈએ અને જો એમ નહીં થાય તો પોતે પોતાના પિયર ઇટાલી ચાલ્યાં જશે તેવી ધમકી પણ આપી દીધી. આખરે વિધવા મેનકા ગાંધી પોતાના નાનકડા પુત્ર વરુણને લઈને ૧૯૮૨માં ૧, સફદર જંગ રોડ પરના નિવાસસ્થાનેથી નીકળી બીજે જતાં રહ્યાં. તે પછી મેનકા ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં, સાંસદ બન્યાં અને કેન્દ્રીય મંત્રી પણ બન્યાં. આમ કોંગ્રેસ પાર્ટી અને નહેરુ-ગાંધીનો પરિવાર બંને સાથે સાથે તૂટતાં હતાં એને ઇતિહાસની બલિહારી જ કહી શકાય.

  • ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના કરી

૧૯૮૪માં ઇન્દિરાજીની હત્યા થઈ ત્યારે તેમના સ્થાને વડાપ્રધાન તરીકે સૌથી વધુ અનુભવી, વહીવટના જાણકાર અને જેમને ઇન્દિરાજીએ જ રાજકારણમાં બ્રેક આપ્યો હતો તેવા પ્રણવ મુખર્જી વડાપ્રધાન પદ માટે હકદાર હતા, પરંતુ A man of all seasons ગણાતા પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવવાને બદલે સાવ બિનઅનુભવી અને માત્ર ઇન્દિરાજીના પુત્રની લાયકાત ધરાવતા ફ્લાઇટ માસ્ટર રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. ત્યારે પ્રણવજી ભારે દુઃખી થયા હતા. વડાપ્રધાન બનવાની તેમની હિલચાલ કોંગ્રેસીઓના ધ્યાનમાં આવતાં રાજીવ ગાંધીના જૂથે પ્રણવજીને સાઇડલાઇન કરી દીધા. ૧૯૮૪ની ૩૧ ડિસેમ્બરે રાજીવ ગાંધીએ જાહેર કરેલા પ્રધાનમંડળમાં પ્રણવજીને પડતા મૂકવામાં આવ્યા. ૨૬ એપ્રિલ ૧૯૮૬ના રોજ કોંગ્રેસે પ્રણવજીને ૧૦ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા તેથી તેમણે ૧૯૮૬માં જ રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસ નામની પોતાની પાર્ટી શરૂ કરી. આમ વંશવાદને કારણે એક સમર્થ નેતાને સહન કરવું પડેલું.

  • ૧૯૮૭માં નાણા પ્રધાન વી.પી. સિંહે કોંગ્રેસ છોડી રાષ્ટીય મોરચો રચ્યો

એક સમયના ઇન્દિરા ગાંધીના ખૂબ જ નજીકના અને રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા માંડાના રાજા વિશ્વનાથ પ્રતાપસિંહને પણ કોંગ્રેસ છોડવી પડી. જ્યારે તેઓ રાજીવ ગાંધીની સરકારમાં નાણા મંત્રી હતા ત્યારે જ એક નાણાકીય બાબતમાં વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે તેમને ટકરાવ થયેલો. તેમના નાણા વિભાગ પાસે એવી માહિતી આવી હતી કે કેટલાક ભારતીયો દ્વારા વિદેશી બેંકોમાં કરોડો રૂપિયા જમા કરાવેલા છે, તેથી વી.પી. સિંહે અમેરિકાની ફેયરફેક્સ નામની જાસૂસી સંસ્થાને આની તપાસ કરવાનું કામ સોંપેલુંં. આ દરમ્યાન જ સ્વીડન નામના દેશે ૧૬ એપ્રિલ ૧૯૮૭એ એક સમાચાર પ્રસિદ્ધ કર્યા કે, સ્વીડનની એક કંપનીની ૪૧૦ બોફોર્સ તોપોનો ભારત સરકાર સાથે સોદો થયો છે પણ તેમાં ૬૦ કરોડ રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું છે. જ્યારે આ સમાચાર દેશના મીડિયા પાસે આવ્યા અને કમિશનનો આ મુદ્દો સંસદમાં ગાજ્યો ત્યારે દેશની જનતાને ખબર પડી કે ૬૦ કરોડ કમિશનની રકમમાં વડાપ્રધાન રાજીવ ગાંધી સંડોવાયેલા છે. તોપોની વિશ્વસનીયતા પણ અૉડિટર જનરલના શંકાના દાયરામાં આવી ગઈ તેથી કમિશનની રકમ લીધી જ હશે તે વાતમાં લોકોનો વિશ્વાસ વધ્યો. પણ આ ખાનગી બાબતનો પર્દાફાશ વી.પી. સિંહે કરેલો હોવાથી રાજીવ ગાંધીની સરકારે વી.પી. સિંહને સરકાર તેમજ કોંગ્રેસમાંથી રૂખસદ આપી દીધી. કોંગ્રેસમાંથી બહાર આવી ગયા બાદ વી.પી. સિંહ, વિદ્યાચરણ શુક્લા, રામધન અને સત્યપાલ મલિક જેવા એક સમયના કોંગ્રેસીઓએ કોંગ્રેસ છોડી ૨ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ સાત પક્ષોનો અલગ મોરચો બનાવ્યો, ૧૯૮૮માં રાષ્ટીય મોરચાનું વિધિવત્‌‍ ગઠબંધન થયું અને ૧૯૮૯ની સંસદની ચૂંટણીમાં રાજીવ ગાંધીની કોંગ્રેસ ભોંયભેગી થઈ ગઈ અને વિશ્વનાથ પ્રતાપસિંહની આગેવાની હેઠળ રાષ્ટીય મોરચાની બિનકોંગ્રેસી સરકાર બની.

  • ૧૯૯૯માં શરદ પવાર, તારીક અન્વર અને પી. એ. સંગમાએ કોંગ્રેસ છોડી NCPની સ્થાપના કરી

સન ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ તે બાદ સોનિયા ગાંધીને તેમના રાજકીય વારસદાર તરીકે જાહેર કરવામાં આવતાં જ કોંગ્રેસમાં વિરોધ શરૂ થયેલો. તેમના વિરોધ બાબતે સૌથી મોટો મુદ્દો તેમના વિદેશી હોવાના વિશે હતો. સોનિયા માઈનોનો વિદેશી મુદ્દો સૌ પ્રથમ ચંદ્રાબાબુ નાયડુએ ઉઠાવેલો. ચંદ્રાબાબુએ વિદેશીને ઉચ્ચપદેથી દૂર રાખવા બંધારણમાં સંશોધન કરવું જોઈએ તેવી ઝુંબેશ ચલાવેલી. પણ સોનિયાજીના વિદેશી મુદ્દા ઉપરાંત બીજા પણ ગંભીર મુદ્દા હતા. (૧) એક બાજુ કોંગ્રેસ ઇટાલીના મુસોલિનીના ફાસીવાદનો વિરોધ કરતી હતી પણ બીજી બાજુ સોનિયા માઈનોના પિતા સ્ટિફાનો માઈનો મુસોલીનીના કટ્ટર સમર્થક અને પ્રચારક હતા. (૨) રાજીવ ગાંધીએ ૧૯૬૮માં સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યાં, પણ સોનિયાજીએ પરણ્યા પછી પણ ભારતનું નાગરિકત્વ લીધેલું નહીં. છેલ્લે લગ્નનાં ૧૫ વર્ષ બાદ એટલે કે ૧૯૮૩ની ૩૦ એપ્રિલે તેમણે ભારતની નાગરિકતા માટે અરજી કરેલી. (૩) ૧૯૭૧માં બાંગ્લાદેશ નિમિત્તે ભારત-પાક યુદ્ધ થયું ત્યારે સોનિયાજી બાળ રાહુલ અને પ્રિયંકાને લઈને ઇટાલી ભેગાં થઈ ગયેલાં, કારણ કે ભારત તેમને સુરક્ષિત દેશ કદાચ નહોતો લાગ્યો. (૪) ૧૯૭૭માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો ભૂંડો પરાજય થયો ત્યારે ભયભીત બનીને સોનિયા માઈનો દિલ્હીના ઇટાલિયન રાજદૂતમાં આશરો લેવા ગયેલાં. (૫) રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે વડાપ્રધાનની સિક્યોરિટીની જવાબદારી કોઈ ભારતીય એજન્સીને નહીં પણ એક ઇટાલિયન સિક્યોરિટી એજન્સીને સોનિયાજીના આગ્રહથી આપવામાં આવેલી. શું આ દેશના લોકો પર તેમને શંકા હતી? (૬) વધુમાં ઇટાલીના કાયદા અનુસાર ઇટાલિયન નાગરિક કોઈ અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે તો પણ તે વ્યક્તિનું ઇટાલીયન નાગરિકત્વ રદ થતું નથી. આ નિયમ મુજબ સોનિયાજી પાસે ભારત અને ઇટાલી એમ બે દેશોનું નાગરિકત્વ હોવાની ચર્ચા પણ ચાલેલી. આ બધાં કારણોસર સંનિષ્ઠ કોંગ્રેસી શરદ પવારે ૧૬ મે ૧૯૯૯ના રોજ રાષ્ટ્રપતિને પત્ર લખેલો કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભારતમાં જ જન્મેલા હોવા જોઈએ. પણ તેઓની વાતને અવગણવામાં આવી. આખરે શરદ પવાર, તારિક અનવર અને પી. એ. સંગમાએ કોંગ્રેસ છોડી નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ની સ્થાપના કરી. આમ, કોંગ્રેસમાં ફરી એક ભંગાણ થયું.

  • સીતારામ કેસરીને કોંંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવ્યા

૧૯૯૮માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સોનિયાજી સ્ટાર કેમ્પેઇનર હોવા છતાં કોંગ્રેસને માત્ર ૧૪૧ બેઠકો જ મળી અને કેન્દ્રમાં અટલજીની સરકાર બની. ચૂંટણીનાં પરિણામો બાદ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પક્ષના ધુરંધરોની એક મીટીંગ મળી. તેમાં ચૂંટણીમાં મળેલી હાર માટે દોષનો ટોપલો પક્ષપ્રમુખ સીતારામ કેસરી જેવા પછાત જાતિના નેતા પર ઢોળી દેવામાં આવ્યો. અને સોનિયાજીને પરાજયના કુંડાળામાંથી બચાવી લેવામાં આવ્યાં. આ પ્રકારના અપમાનથી દુઃખી થયેલા કેસરીજી આંસુ ભરેલી આંખો સાથે કાર્યાલયની બાજુના ઓરડામાં ચાલ્યા ગયા. પક્ષપ્રમુખની ખુરશી ખાલી થતાં જ સોનિયાજીને આ ખુરશીમાં બિરાજમાન કરવામાં આવ્યાં અને સોનિયાજીને પક્ષપ્રમુખપદે ઘોષિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે કેટલાક જોશીલા કોંગ્રેસી નેતાઓએ પક્ષપ્રમુખની ચેમ્બર પર લગાડેલી સીતારામ કેસરીની તકતી તોડી નાખી. આમ પછાત જાતિના સંનિષ્ઠ નેતાને હડસેલી દેવામાં આવ્યા, પરંતુ આ ઘટનાનો એક રોમાંચક વળાંક હવે આવે છે તે જોઈએ. સીતારામ કેસરી સંસદના કોઈ ગૃહમાં ચૂંટાયેલા ના હોવાથી તેઓ દિલ્હીનું પોતાનું નિવાસસ્થાન ખાલી કરી પોતાના વતન બિહારમાં પરત જવાની તૈયારી કરી રહ્યા હતા. આ વાત તત્કાલીન વડાપ્રધાન અટલજીના ધ્યાને આવી, ત્યારે અટલજીએ કેસરીજીને બોલાવીને કહ્યું `આપ બિહાર મેં મત જાઈયે, આપકો નિવાસસ્થાન કી તકલીફ હૈ ના? વહ દૂર હો જાયેગી. આપ અપને હી નિવાસસ્થાન મેં દિલ્હી મેં રહ સકોગે. મૈં આપકા નિવાસસ્થાન સ્વાતંત્ર્ય – સેનાની ક્વોટા મેં એલોટ કર દેતા ં.’ આ શબ્દો સાંભળી અત્યંત ભાવવિભોર બની ગયેલા સીતારામ કેસરી બોલેલા કે `નહેરુ-ઇન્દિરા કોંગ્રેસ માટે મેં એકવાર મારી ચામડીનાં જૂતાં બનાવી પહેરાવવાની વાત કરેલી. પણ તે જ કોંગ્રેસે મને હડધૂત કર્યો. અને જે અટલજીને મેં જીવનભર ગાળો કાઢી તે જ અટલજીએ મારા પર અપાર પ્રેમ વરસાવ્યો.’

વાચકમિત્રો, હવે આપણને સમજાય છે કે કોંગ્રેસ કોના વાંકે વેરવિખેર થઈ રહી છે. હવે કોંગ્રેસ રાહુલ ગાંધીના સમયમાં કેવી રીતે વધુ વેરવિખેર થાય છે તેની વાત આવતા અંકે કરીશું.

(લેખકશ્રી સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code