Site icon Revoi.in

વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોને સુરક્ષાની ખાતરી અપાતા હડતાળ સમેટાઈ

Social Share

વડોદરા, 1 મે 2026: Sayaji Hospital doctors’ strike ends શહેરની સયાજી હોસ્પિટલમાં બુધવારે એનઆરઆઈ પરિવારની મહિલાનું મોત થતા પોસ્ટમોર્ટમ વિભાગમાં ત્રણ દિવસ માટે ડેડબોડી રાખવામાં આવી હતી. વિદેશથી પરિવાર આવી કોલ્ડરૂમમાં રાખેલી બોડી જોતા તે ડિકમ્પોઝ સ્થિતિમાં હોવાથી આક્રોશ ફેલાયો હતો અને તબીબો સાથે ઘર્ષણ બાદ મારામારી થઈ હતી. આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. તબીબોની હડતાળથી હોસ્પિટલમાં આરોગ્ય સેવાને અસર પડી હતી, આખરે સરકાર તરફથી સુરક્ષાનું આશ્વાસન મળતાં જ તબીબોએ આંદોલન પાછું ખેંચ્યું છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હવે SSG હોસ્પિટલમાં રેપિડ ટાસ્ક ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સમાં 60 સુરક્ષા જવાનોની ટુકડી ખડેપગે તહેનાત રહેશે.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તબીબો હડતાળ પર જતા મેડિકલ એજ્યુકેશન વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડો. જયેશ સચદૈવ વડોદરા દોડી આવ્યા હતા. તેમણે SSG હોસ્પિટલના તબીબો અને વ્યવસ્થાપન સાથે વિસ્તૃત બેઠક કરી હતી. બેઠક બાદ તબીબોએ હડતાળ સમેટી લીધી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. આક્રોશમાં આવેલા પરિવારજનો અને લોકોએ તબીબોને માર માર્યો હોવાના આક્ષેપો પણ થયા હતાં. આ ઘટનામાં તબીબોએ પોલીસ ફરિયાદ નોંધી હતી. જેમાં તબીબ પર થયેલા હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં 12 આરોપીની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા 3 આરોપીઓના એક દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. જ્યારે ગઇકાલે 9 આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version