ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: આ અઠવાડિયાના અંત સુધીમાં ઈરાન સાથે થઈ શકે છે ઐતિહાસિક ડીલ
વૉશિંગ્ટન, 4 જૂન 2026: ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાતચીત વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં ઈરાન સાથેની ડીલ ફાઈનલ થઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદનને બંને દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં એક મોટી પ્રગતિ અને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આ મહત્વની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરા વલણ સાથે જણાવ્યું કે, “સીઝફાયરનો અર્થ એ છે કે અત્યારે ગોળીબાર નીચલા સ્તરે છે. ઈરાન સાથેની વાતચીત ખૂબ જ સારી દિશામાં આગળ વધી રહી છે અને બંને પક્ષો સમજૂતી પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છે. જોકે, આ સમજૂતી થઈ પણ શકે છે અને ન પણ થાય, પરંતુ જો બધું સાનુકૂળ રહ્યું તો આ વીકેન્ડ (અઠવાડિયાના અંત) સુધીમાં ડીલ પાકી થઈ જશે.”
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “અમે ઇચ્છીએ તો આગામી 2-3 અઠવાડિયામાં ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી શકીએ છીએ, તે ખૂબ જ સરળ છે. પરંતુ નિર્દોષ લોકોનો જીવ લીધા વિના જો કોઈ એવો લેખિત કરાર થઈ જાય જેનું પરિણામ પણ સમાન હોય, તો હું શાંતિપૂર્ણ સમજૂતીને જ પ્રાથમિકતા આપીશ.” અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે જો ઈરાન સાથે સૂચિત કરાર પર હસ્તાક્ષર થઈ જશે, તો ‘હોર્મુઝની સામુદ્રધુની’ તાત્કાલિક ખોલી દેવામાં આવશે. તેમણે કહ્યું, “એમઓયુ પર સહી થતાં જ હોર્મુઝ સ્ટેટ ખૂબ જ ઝડપથી ખુલી જશે. અમેરિકી સેનાએ આ વિસ્તારમાં અગાઉથી જ દરિયાઈ બારૂદી સુરૂંગો (માઈન્સ) હટાવવાની વ્યવસ્થા કરી લીધી છે અને મોટાભાગની શંકાસ્પદ સુરૂંગોને સાફ કરી દેવામાં આવી છે.”
-
પરમાણુ સામગ્રી સંપૂર્ણપણે નાબૂદ કરાશે
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ એનર્જી સપ્લાય રૂટ્સ (ઊર્જા પુરવઠા માર્ગો) માંથી એક છે. આ માર્ગ પર્શિયન ગલ્ફને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો સાથે જોડે છે. વિશ્વના કાચા તેલ અને એલએનજીનો મોટો હિસ્સો આ જ રસ્તેથી પસાર થાય છે. તેથી અહીં કોઈપણ પ્રકારની અડચણ ભારત સહિત ઘણા દેશો માટે મોટી ચિંતાનો વિષય બને છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર પુનરોચ્ચાર કર્યો હતો કે આ આખી વાતચીતનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવી શકે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન પણ એ વાત પર સંમત થયું છે કે ‘તેઓ પરમાણુ હથિયાર કે બોમ્બ નહીં રાખે, તેમજ તેનું ભવિષ્યમાં ક્યારેય ઉત્પાદન કે ખરીદી પણ નહીં કરે.’ ટ્રમ્પે અંતમાં જણાવ્યું કે, “હાલની સ્થિતિ એવી છે કે અમે ટૂંક સમયમાં ત્યાં જઈશું. અત્યારે એ નક્કી થઈ ગયું છે કે અમે તેમની સાથે મળીને ત્યાં જઈશું, તે પરમાણુ સામગ્રી જપ્ત કરીશું અને તેને નષ્ટ કરીશું. તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.”


