વડોદરા, 4 જુન, 2026 : Hit and run near Jabua Bridge શહેર નજીક હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક પુત્ર સાથે એક્ટિવા પર જઈ રહેલા આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન પંડ્યાને પૂરપાટ ઝડપે આવેલા લક્ઝરી બસ ચાલકે પૂરઝડપે ટક્કર મારતા જાગૃતિબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રની નજર સામે જ બસના ચાલકે માતાને કચડી નાખ્યા બાદ બસ સાથે તેનો ચાલક નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં કપુરાઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. આ દૃશ્યો સૌ કોઈને હચમચાવી દે તેવા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક પુત્ર સાથે એક્ટિવા પર જઈ રહેલા આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન પંડ્યાને પૂરપાટ ઝડપે આવેલા લક્ઝરી બસ ચાલકે પૂરઝડપે ટક્કર મારતા જાગૃતિબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રની નજર સામે જ બસના ચાલકે માતાને કચડી નાખ્યા બાદ બસ સાથે તેનો ચાલક નાસી ગયો હતો મૃતકના પુત્ર સંજીવ પંડ્યાએ જણાવ્યું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે મારી મમ્મી ત્યાં જ નીચે પડી ગઈ અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતા માથું ફાટી ગયું હતું.
શહેરના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી હરિદર્શન પેલેસ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય સંજીવ અનિલભાઈ પંડ્યાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની માતા જાગૃતિબેન તાલુકા પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે રાત્રે જાગૃતિબેને પુત્ર સંજીવને એક્ટિવા પર ચક્કર મારવા જવાની વાત કરી હતી. બંને રાત્રે આશરે 9.15 વાગ્યે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘર પાછળના રસ્તે થઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જામ્બુવા બ્રિજ તરફ જઈ રહ્યા હતા. બાલાજી પેટ્રોલ પંપ નજીક પહોંચતા જાગૃતિબેને ઉલટી થાય છે, તેમ કહેતા જ પુત્ર સંજીવે એક્ટિવા રસ્તાની નીચે ઉભી રાખી હતી. જાગૃતિબેન એક્ટિવામાંથી નીચે ઉતરી રસ્તા પાસે ઊભા હતા, ત્યારે રાત્રે આશરે 9.45 વાગ્યે તરસાલી બ્રિજ તરફથી આવતી એક લક્ઝરી બસના ચાલકે બસને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જાગૃતિબેનને ટક્કર મારી હતી. જાગૃતિબેન રસ્તા પર પટકાતા તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.


