અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેમણે વિદેશી ફિલ્મોને હોલીવુડ માટે ખતરો ગણાવ્યો છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે લેવાયેલો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હોલીવુડ અને અમેરિકાના ઘણા અન્ય વિસ્તારો બરબાદ થઈ રહ્યા છે. તે ઈચ્છે છે કે અમેરિકામાં ફરી ફિલ્મો બને…વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આ ટેરીફનો હેતુ માત્ર ફિલ્મ સ્ટુડિયોને USની ધરતી પર તેમના કાર્યો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં બનેલી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ હાલમાં તે સ્પષ્ટ નથી કે આ કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે. મોટાભાગની ફિલ્મોનું શૂટિંગ વિશ્વના ઘણા દેશોમાં થાય છે. બ્રિટન અને કેનેડા જેવા દેશો ફિલ્મોના નિર્માણ પર પણ કરમુક્તિ આપે છે જેને કારણે, અમેરિકાને બદલે આ દેશોમાં ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. ટ્રમ્પે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી કે, અમેરિકાની બહાર ફિલ્મો બની રહી છે. તેમણે કહ્યું કે, જો કોઈ અમેરિકામાં ફિલ્મ બનાવવા માંગતો નથી, તો તેના પર ટેક્સ લાગવો જોઈએ.
અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ સતત ઘટી રહ્યું છે. એક અહેવાલ મુજબ, અમેરિકામાં ફિલ્મ નિર્માણમાં 2021ની સરખામણીમાં 2023 સુધીમાં 26% ઘટાડો થવાની ધારણા છે. આ કારણે, હોલિવુડ માટે પ્રખ્યાત લોસ એન્જલસ શહેરની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. આ દરમિયાન ચીન જેવા દેશોમાં, સ્થાનિક ફિલ્મો ખૂબ જ ઝડપથી બની રહી છે. ચીની એનિમેટેડ ફિલ્મ ઝાઓ 2એ દેશમાં 2 બિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે, જ્યારે આ ફિલ્મ USમાં ફક્ત 20 મિલિયન ડોલરની કમાણી કરી શકી છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થા મોશન પિક્ચર એસોસિએશન અનુસાર, 2023માં અમેરિકન ફિલ્મોએ વિશ્વભરમાં 22.6 બિલિયન ડોલરની કમાણી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ ઘણી વાર કહી ચૂક્યા છે કે તેઓ હોલિવુડને પહેલા કરતા પણ મોટું, સારું અને મજબૂત બનાવવા માંગે છે. આ માટે તેમણે મેલ ગિબ્સન, જોન વોઈટ અને સિલ્વેસ્ટર સ્ટેલોન જેવા કલાકારોને પણ ખાસ રાજદૂત બનાવ્યા છે.
હોલિવુડ ફક્ત ફિલ્મો બનાવવાનું સ્થળ નથી, પરંતુ તે અમેરિકાનું સોફ્ટ પાવરનું સૌથી મોટું શસ્ત્ર પણ રહ્યું છે. છેલ્લી સદીમાં, હોલીવુડ ફિલ્મોએ અમેરિકન સંસ્કૃતિ, ભાષા, જીવનશૈલી અને વિચારધારાને વિશ્વભરમાં પ્રસારિત કરી છે. સ્પાઇડરમેન, એવેન્જર્સ, ટાઇટેનિક, ગોડફાધર, સ્ટાર વોર્સ, હેરી પોટર જેવી ફિલ્મો ફક્ત મનોરંજન જ નહોતી, પરંતુ અમેરિકાની વૈશ્વિક ઓળખનો એક ભાગ બની ગઈ છે. અમેરિકામાં દર વર્ષે સેંકડો ફિલ્મો બને છે અને તેમનું બજાર ફક્ત અમેરિકા પૂરતું મર્યાદિત નથી. આ વિશ્વના લગભગ દરેક દેશમાં રિલીઝ થાય છે. 2023માં, અમેરિકન ફિલ્મોએ માત્ર નિકાસમાં 22.6 બિલિયન ડોલરનું ઉત્પાદન કર્યું અને 15.3 બિલિયન ડોલરનો વેપાર સરપ્લસ મેળવ્યો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં હોલીવુડ ઇન્ડસ્ટ્રીએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે જેમાં કોવિડ-19, 2023માં ફિલ્મ યુનિયન હડતાળ, લોસ એન્જલસમાં જંગલની આગ અને ઉત્પાદન ખર્ચમાં વધારો સામેલ છે.
Donald Trump’s tariff strike on foreign cinema to revive the American film industry