Site icon Revoi.in

ચીનના પ્રવાસે ગયેલા ડો.એસ.જયશંકર ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યાં

Social Share

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા. X પોસ્ટ પર મુલાકાતનો ફોટો અપલોડ કરતા જયશંકરે લખ્યું, “આજે બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળીને મને આનંદ થયો. ચીનના SCO અધ્યક્ષપદ માટે ભારતનો ટેકો વ્યક્ત કર્યો.”

વિદેશ મંત્રી જયશંકરે લખ્યું કે આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ધ્યાન આપવામાં આવ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની મુલાકાત સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવશે. સિંગાપુરથી બેઇજિંગ પહોંચતા પહેલા, તેઓ રવિવારે નાયબ વડા પ્રધાન ગાન કિમ યોંગને મળ્યા. તેમણે કહ્યું કે તેઓ ત્રીજી ભારત-સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જયશંકરે કહ્યું કે સિંગાપુર સાથે વિવિધ દ્વિપક્ષીય પહેલો સતત આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ચીનની તેમની મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી જયશંકર તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) પરિષદમાં હાજરી આપશે.