1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પડાશે
કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પડાશે

કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પડાશે

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 ઓગસ્ટના રોજ રૂ.1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની શરૂઆત થઈ હતી. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદનના વિવિધ પ્રશ્નો, ફળાઉ ઝાડનો પ્રશ્ન, નેશનલ હાઇવે, રેલવે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગનો સમાવેશ થતો હતો. જે તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-2022માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું છે.

કચ્છ શાખા નહેરથી જિલ્લાના 182 ગામોને હેકટર 2.79 એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ શાખા નહેરના માધ્યમથી જિલ્લાના બધા જ 948 ગામો તેમજ બધા જ 10 નગરોમાં પીવાનું પાણી પુરૂ પાડવાનું આયોજન કરાયું છે. કચ્છ શાખા નહેર નર્મદા યોજના મુખ્ય નહેરની સાંકળ 386 કિ.મી બનાસકાંઠા માંથી નીકળે છે. કચ્છ શાખા નહેરની કુલ લંબાઈ 386 કિ.મી. છે. કચ્છ શાખા નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 82.30 કિ.મી પસાર કરી કચ્છ જિલ્લામાં કચ્છના નાના રણના 10 કિ.મી. ઓળંગીને સાંકળ 94 કિ.મી.થી કચ્છની મુખ્ય ભૂમિ પર પ્રવેશ કરે છે. કચ્છના વિસ્તારોમાં આ કેનાલના પાણીથી ખાસ કરીને ખેતીમાં ફાયદો થશે.

કચ્છની ભૌગોલિક વિષમ પરસ્થિતિ વચ્ચે છેવાડાના ગામ સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવું ભગીરથ કાર્ય કરવામાં આવ્યા છે. કચ્છની મુખ્ય ભૂમિમાં પ્રવેશવા માટે કચ્છ શાખા નહેરને કચ્છના રણને ઓળંગવું પડતું હોવાથી તે પણ એક પડકાર હતો. કચ્છનું રણ દરિયાની સપાટીએ આવેલ છે. જ્યારે કચ્છ શાખા નહેરનો પિયત વિસ્તાર ઉચ્ચ સ્તરે છે અને નહેરનું સ્તર જ્યાંથી તે નર્મદા મુખ્ય નહેર નજીકથી નીકળે છે તે પણ ઉચ્ચ સ્તરે છે. તેથી આ પડકારને પહોંચી વળવા માટે ત્રણ ધોધ(ફોલ) આપવામાં આવ્યા છે. પાણી ઉપાડવા માટે ત્રણ પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે.

તદુપરાંત પાણી ઉપાડવા માટે વપરાતી વીજળીની પુનઃપ્રાપ્તિ માટે ધોધના 3 સ્થળોએ વોટર કેનાલ બેડ પાવર હાઉસ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે 23.1 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરશે. આમ કેનાલમાંથી પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છ શાખા નહેર ઘુડખર અભયારણ્યની વચ્ચે પસારથી કરે છે. કેનાલ  માટે સક્ષમ સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવવી જરૂરી હતી. તદુપરાંત કેનાલની આ પહોંચમાં બાંધકામ માટે વધારાની કાળજી લેવામાં આવી છે. ઘુડખર માટે કેનાલને પાર કરવા માટે ખાસ રસ્તા/માર્ગો આપવામાં આવ્યા છે. આ હેતુ માટે પુલની ઉપરની સપાટીને આવરી લેવા માટે કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેનાલની બંને બાજુએ બેરીકેડીંગ/ફેન્સીંગ પણ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ ઘુડખર કેનાલમાં પડી ના જાય.

કચ્છ પ્રદેશ સપાટ વિસ્તાર નથી પણ એક દ્વીપકલ્પ છે. દક્ષિણમાં કચ્છના અખાત દ્વારા અને ઉત્તરમાં કચ્છના રણ દ્વારા ઘેરાયેલ છે. કચ્છની મુખ્ય ભૂમિમાં ઘણી બધી ટેકરીઓ અને ખીણો છે. તેને પાર કરવાની જરૂર હતી. આ હેતુ માટે ભૂપ્રદેશની જરૂરિયાત મુજબ વિવિધ વિશિષ્ટ બાંધકામો બનાવવામાં આવ્યા છે. 4.85 મી. X 4.85 મી.ના ક્રોસ સેક્શનના 3 નંગ બેરલ ધરાવતી લાંબી નહેર સાઇફનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આવા અન્ય ઘણા પ્રકારના વિવિધ માળખા કેનાલની સમગ્ર લંબાઈમાં બાંધવામાં આવ્યા છે.

કચ્છ બ્રાન્ચ કેનાલ રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. તે રાપર, ભચાઉ, અંજાર, આદિપુર, મુન્દ્રા અને માંડવી જેવા મોટા શહેરો નજીકથી પણ પસાર થાય છે. 2001ના ભૂકંપમાં મોટું નુકસાન થયું હતું અને મોટાપાયે જાનહાની થઈ હતી. નહેરના આ ભાગમાં ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવું પડકારરૂપ હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ઇન-હાઉસ ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ડિઝાઇન તૈયાર કરીને આ પડકારને પણ હલ કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code