Site icon Revoi.in

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં ઈકોકારમાં આગ લાગતા ચાલકનું મોત

Social Share

વડોદરા, 10 જુન, 2026 : Accident on Ahmedabad-Vadodara Express Highway રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપવાન અને ઈકોકાર વચ્ચે સર્જાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપવાનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં ઈકોકારમાં આગ લાગતા કારચાલક જીવતો સળગી ગયો હતો. જ્યારે 5 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવની કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાની વિગત એવી છે કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક મંગળવારે સાંજે પીકઅપવાન અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ઇકો કારમાં આગ ભભૂકી ઊઠી હતી. અકસ્માત બાદ ઇકો કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતાં તે આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો હતો. આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન, ભાદરવા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Exit mobile version