સુરત, 18 મે 2026: Biker dies after being hit by truck શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાસોદરા ગઢપુર રોડ પર સર્જાયો હતો. રત્ન કલાકાર યુવાન બાઈક પર આવતો હતો ત્યારે ગઢપુર રોડ પર સર્જન લક્ઝરીયાની સામે બાઈકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈકની સાથે ટ્રકની નીચે ઘૂસી ગયો હતો. અને ટ્રકની નીચે કચડાઈ જતા રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના પાસોદરા ગઢપુર રોડ પર રત્ન કલાકાર યુવાન બાઈક પર આવતો હતો ત્યારે સર્જન લક્ઝરીયાની સામે રત્નકલાકારે બાઈક પરથી કાબૂ ગુમાવતા ટ્રક નીચે આવી ગયો હતો. આ અકસ્માતમાં રત્નકલાકારનું માથું કચડાઈ ગયું હતું, તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ગુંદાળા ગામના વતની અને હાલ સુરતના પાસોદરા વિસ્તારમાં ગઢપુર ટાઉનશીપ ખાતે રહેતા 36 વર્ષીય મયુરભાઈ બાબુભાઈ ગાબાણી વરાછા સવાણી મીનીબજાર ખાતે હીરામજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાંજે આશરે સાડા છથી પોણા સાત વાગ્યાના સુમારે રત્નકલાકાર યુવાન બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગઢપુર રોડ પર બાઈકના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બાઈકચાલક મયુરભાઈ ટ્રક નીચે આવી ગયા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે મયુરભાઈ રોડ પર પટકાયા બાદ ટ્રકના પાછળના ટાયરમાં આવી ગયા હતા. માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ થઈ બેભાન થઈ ગયા હતા. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યાં હાજર મૃતકના મિત્ર નીલેશભાઈ કોરાટને મયુરભાઈનું આધારકાર્ડ મળી આવતા, તેમણે તુરંત જ મયુરભાઈના કાકા અનીલભાઈ ગાબાણીને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. અનીલભાઈએ તાત્કાલિક પોતાના ભાઈઓ કિશોરભાઈ અને દિનેશભાઈને ઘટનાસ્થળે મોકલ્યા હતા. આ તરફ નીલેશભાઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્ત યુવકને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

