થરાદ, 7 જુલાઈ, 2026 : Car crashes into the rear of a dumper on the Tharad-Dhanera highway થરાદ-ધાનેરા હાઈવે પર ખેંગારપુરા ગામ નજીક ગત રાતે રેતી ભરેલા ડમ્પર પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પણ કારચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગત રાત્રે લગભગ 8:30 વાગ્યાની આસપાસ થરાદ ધોનેરા નેશનલ હાઈવે 168 પર ધાનેરા તરફથી આવી રહેલી સ્વિફ્ટ કાર રસ્તામાં પાર્ક કરેલા હાઈવા ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. રેતી-કપચી ભરેલો હાઈવા ટેલર ખેંગારપુરા નજીક રસ્તાની વચ્ચે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઊભો હતો. ડ્રાઈવર વાહન ચેક કરવા નીચે ઉતર્યો હતો. વરસાદી માહોલ અને હાઈવા ટેલર પર પાર્કિંગ લાઈટ કે રેડિયમ ન હોવાને કારણે, ધાનેરા તરફથી આવી રહેલી સ્વિફ્ટ કાર પાછળથી હાઈવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં સ્વિફ્ટ કારના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતના બનાવને કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્વિફ્ટ કારના ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા, તેને તાત્કાલિક થરાદ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ થરાદ-ધાનેરા હાઈવે પર મોટા વાહનોની ભારે અવરજવર રહે છે. ઘણા વાહનોમાં પાર્કિંગ લાઈટ, રેડિયમ કે બ્રેક લાઈટનો અભાવ હોય છે, જેના કારણે આવા નાના-મોટા અકસ્માતો વારંવાર બનતા રહે છે. લોકોએ રાત્રિના સમયે રેતી ભરીને દોડતા મોટા ટેલરો પર નિયંત્રણ રાખવા અને નિયમોનું પાલન કરાવવા માંગ કરી છે.

