Site icon Revoi.in

રાજુલા નજીક હાઈવે પર સિંહબાળને કચડીને પલાયન થયેલો કારચાલક પકડાયો

Social Share

અમરેલી, 15 મે 2026: Driver who ran over lion cub and fled arrested તાજેતરમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી  સિંહબાળનું મોત નિપજ્યુ હતું. આ બનાવને લીધે વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને નાસી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સીસીટીવીના કૂટેજ અને બાતમીને આધારે વન વિભાગના અધિકારીઓએ સ્વીફ્ટ કારના ચાલકની કોબડી ટોલનાકા પાસેથી અટકાયત કરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પરથી પસાર થતા નેશનલ હાઈવે પર મોડી રાત્રે દાતરડી ગામ પાસે એક અજાણ્યા વાહનની અડફેટે સિંહબાળનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાજુલા રેન્જ વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડ્યો હતો. વન્યજીવના મોતને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને તપાસના આદેશ આપતા રાજુલા અને જાફરાબાદ RFOના નેતૃત્વમાં 4 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

વનવિભાગે સ્થાનિક લોકોની પૂછપરછ કરવાની સાથે હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ અને ટોલનાકાના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર: GJ 27 EG 8613) અંગે કડી મળતા વનવિભાગની ટીમે મહુવા નજીક કોબડી ટોલનાકા પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી. કાર ચાલક ઈંદરસિંહ છતરસિંહ રાવત (રહે. રાજસ્થાન)ની પૂછપરછ કરતા તેણે અકસ્માતની કબૂલાત કરી હતી. આરોપી દીવથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી કારે સિંહબાળને અડફેટે લીધું હતું.

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સિંહબાળના મૃત્યુ બાદ વન વિભાગે તુરંત ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. કારચાલક આરોપી રાજસ્થાનનો વતની છે અને અમદાવાદથી દીવ ફરવા આવ્યો હતો. પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. હાલ આરોપીની અટકાયત કરી તેને નોટિસ આપવામાં આવી છે અને કાયદેસરની તપાસ ચાલુ છે.

Exit mobile version