નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના બે અલગ-અલગ ભાગો માટે ગંભીર હવામાનની ચેતવણીઓ જારી કરી છે. એક તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યો છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આશંકા છે, જ્યારે બીજી તરફ ઉત્તર ભારતમાં તાપમાન ઘટતાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે.
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું દબાણ હવે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ આંદામાન અને નિકોબાર તરફ આગળ વધી રહી છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અને માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણમાં ચક્રવાતની ગતિવિધિ વચ્ચે, ઉત્તર ભારતમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે પંજાબ અને ઝારખંડમાં શીત લહેરના પવનો ફૂંકાવાની અને કડકડતી ઠંડી પડવાની ચેતવણી આપી છે. પાડોશી રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. હરિયાણા, ચંદીગઢ, અને દિલ્હીમાં સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જવાની શક્યતા છે, જેના કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટી શકે છે. વાહનચાલકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં પણ ભારે ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ શીત લહેર ચાલવાની અને અમુક વિસ્તારોમાં કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સરકારે બંને પ્રદેશોના લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સલામત રહેવા અપીલ કરી છે.

