Site icon Revoi.in

કમોસમી વરસાદને પગલે APMCમાં શાકભાજીની આવક 60 ટકા ઘટી, ભાવવધારાનો સંકેત

Social Share

અમદાવાદ:  રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર પડી છે. તેમજ માવઠાએ ખેડૂતોની સાથે બજાર તંત્રને પણ હચમાચાવી નાખ્યું છે. છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે મુખ્ય APMC બજારોમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેની અસર હવે ગૃહીણીઓના બજેટ ઉપર પણ પડશે. સામાન્ય દિવસોમાં ગ્રાહકો અને વેપારીઓની ચહલપહલથી ગૂંજતા બજારોમાં હાલમાં સન્નાટો છવાયેલો જોવા મળે છે. માર્કેટમાં શાકભાજીની કુલ આવકમાં આશરે 60 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. કેટલાક મુખ્ય પાક જેમ કે ટમેટાં, કોથમીર, લીલા મરચાં, ફૂલકોબી અને કોબીની આવક તો લગભગ અદૃશ્ય બની ગઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી ત્યાંથી આવનારા માલમાં સૌથી વધુ અસર થઈ છે.

બજારમાં પુરવઠો ઘટતા હવે આવતા દિવસોમાં શાકભાજીના ભાવોમાં વધારો થવાની શક્યતા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ જે થોડો ઘણો માલ આવી રહ્યો છે તે મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડશે. ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદ નહીં પરંતુ આફત સાબિત થયો છે. પાક બગડવાથી આવકમાં ઘટાડો થયો છે, જ્યારે વેપારીઓ માટે માર્કેટમાં આવકના અભાવે વ્યવહાર ઘટાડો નોંધાઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસોમાં હવામાન સ્થિર થવાની શક્યતા છે, પરંતુ હાલની સ્થિતિ જોતા શાકભાજીના ભાવોમાં ટૂંકા ગાળામાં રાહત મળવાની સંભાવના ઓછી છે. ખુલાસા રૂપે કહીએ તો, મેઘરાજાના આ કમોસમી આગમનથી ખેડૂતોના ખેતરો અને ગૃહિણીઓના બજેટ બંને પર ભારણ વધ્યું છે.