નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં નશામાં ચકનાચૂર ડમ્પર ચાલકે રસ્તા પર અનેક ગાડીઓને અડફેટે લીધી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી વપેલા એક કારને ટક્કર મારી અને પછી બીજા ઘણા વાહનોને કચડતો ગયો.
આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે જેમાં 7ની હાલત ગંભીર છે. તેમની સારવાર સવાઈ માન સિંહ અને કાનવટિયા હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માત જયપુરના હરમારાના લોહા મંડી વિસ્તારમાં થયો હતો.
લોહા મંડી રોડ નંબર 14 થી હાઇવે પર પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન તે વાહનોને ટક્કર મારી ગયું. વાહનોને ટક્કર માર્યા પછી, ડમ્પર હાઇવે પર રેલિંગ સાથે અથડાયા પછી અટકી ગયું. આ દરમિયાન, લોકોએ ડ્રાઇવરને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો.
પોલીસે જણાવ્યું કે ડમ્પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું હતું. નશામાં ધૂત ચાલકે 17 વાહનોને અડફેટે લીધા. જેમાં ચાર કાર સંપૂર્ણપણે નુકસાન પામી હતી. એક બાઇક સંપૂર્ણપણે કચડી નાખવામાં આવી હતી. ડમ્પ ટ્રકનો બેરિયર સંપૂર્ણપણે વળી ગયો હતો. અનેક વાહનો એકબીજા સાથે ગુંચવાઈ ગયા હતા.
મૃતકોમાં ગુજરાતના એક પરિવારના બે સભ્યોનો સમાવેશ થાય છે જેઓ ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સ્થળથી લગભગ દોઢ કિલોમીટર પહેલા ડમ્પર ચાલકે કાર ચાલક સાથે ઝઘડો કર્યો હતો.
ઝઘડા પછી, કાર ચાલકે કારની સ્પિડ વધારી દીધી, ત્યારબાદ ડમ્પર ચાલકે ગતિ વધારી અને તેના માર્ગમાં આવનાર કોઈપણ વ્યક્તિને કચડી નાખ્યો. અધિક નાયબ પોલીસ કમિશનર બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. ઓળખ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન, અકસ્માતની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની હાજરી હોવા છતાં, ઓવરલોડેડ વાહનો હાઇવે પર દોડતા રહ્યા.

