
ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ગણતરીના દિવસોમાં કરવાનું છે. આ ચૂંટણી એપ્રિલ-મે માસમાં સાતથી આઠ તબક્કામાં કરાવવામાં આવે તેવી શક્યતા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલમાં આના સંદર્ભે જાણકારી આપી છે.

17મી લોકસભાની ચૂંટણી કરાવવા માટેની ચૂંટણી પંચની તમામ તૈયારીઓ તેના આખરી તબક્કામાં છે. લોકસભાની ચૂંટણીનો આખો કાર્યક્રમ આ સપ્તાહના આખરમાં અથવા તો આગામી સપ્તાહની શરૂઆતમાં થવાની સંભાવના છે. હાલની લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને સમાપ્ત થઈ રહ્યો છે.
ચૂંટણી પંચના એક વરિષ્ઠ પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, પંચ દ્વારા કોઈપણ દિવસે ચૂંટણીની તારીખોનું એલાન કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યુ છે કે આ એલાન આ સપ્તાહ સુધીમાં અથવા વધુમાં વધુ મંગળવાર સુધીમાં થવાની સંભાવના છે. ચૂંટણી પંચે પોતાની મશીનરીને આગળ વધારવા ગત કેટલાક સપ્તાહોથી દેશભરમાં ઘણી બેઠકો કરી છે.
સૂત્રો જબ, પહેલા તબક્કાના વોટિંગ માટે માર્ચના આખર સુધીમાં નોટિફિકેશન જાહેર થવાની સંભાવના છે અને તેના માટે વોટિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં થવાની શક્યતા છે. એવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે કે ચૂંટણી પંચ પહેલાની જેમ આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે પણ કરાવી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ભંગ થઈ ચુકી છે. તેના માટે ચૂંટણી પંચ મે માસમાં સમાપ્ત થઈ રહેલી છ માસની સમયમર્યાદાની અંદર ત્યાં પણ ચૂંટણી કરાવવા માટે બાધ્ય છે.
તેવામાં માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે જ કરાવવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ ભારત અને પાકિસ્તાનની સરહદે ચાલી રહેલા તણાવને જોતા જમ્મુ-કાશ્મીરની જટિલ સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને આના સંદર્ભે કોઈ નિર્ણય કરવામાં આવશે.