ઈસ્લામાબાદ, 3 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ અને બેફામ મોંઘવારીની સીધી અસર હવે સામાન્ય લોકોની થાળી પર વર્તાઈ રહી છે. મોંઘવારીના કારણે ખરીદશક્તિ ઘટતા પાકિસ્તાનીઓનું ભોજન પ્રમાણ અને ગુણવત્તા બંને ઘટી ગયા છે. પરિવારો માટે અગાઉ જેટલું અન્ન ખરીદવું હવે શક્ય રહ્યું નથી. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS)ના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા છ વર્ષમાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં મોટાભાગની મુખ્ય ખાદ્ય ચીજવસ્તુઓની ખપતમાં મોટો ઘટાડો નોંધાયો છે.
મોંઘવારીના કારણે લોકો રોટલીનું કદ નાનું કરવા મજબૂર બન્યા છે, ઘરમાં માંસાહારી ખોરાક બનવાની આવૃત્તિ ઘટી છે અને બાળકોને અપાતા દૂધના પ્રમાણમાં પણ કાપ મૂકાયો છે. એટલું જ નહીં, રોજ પીવાતી ચાના કપની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. સામાજિક સૂચકાંકો અત્યંત ચિંતાજનક છે. વર્ષ 2019માં જે 15.92 ટકા પરિવારો મધ્યમથી ગંભીર ખાદ્ય અસુરક્ષાની શ્રેણીમાં હતા, તે આંકડો વધીને 2025 સુધીમાં 24.35 ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરતા પરિવારોનો હિસ્સો 2.37 ટકાથી વધીને 5.04 ટકા થઈ ગયો છે.
પાકિસ્તાનમાં અનાજની અછત હોવા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદનની કમી નથી. દેશમાં ઘઉં અને ચોખાનું પૂરતું ઉત્પાદન થાય છે તેમજ મોટા પાયે દૂધ, ઈંડા અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સ પણ બને છે અને માંસની નિકાસ પણ થાય છે. વાસ્તવિક સમસ્યા ખાદ્ય ચીજોની આસમાને પહોંચેલી કિંમતો અને નાગરિકોની ઘટતી ખરીદશક્તિ છે. મોંઘવારીએ પારિવારિક બજેટના વહેણ બદલી નાખ્યા છે, જેના કારણે લોકોએ પોતાની જરૂરિયાતો અને પોષણયુક્ત આહારમાં કાપ મૂકવો પડ્યો છે.
અગાઉના વર્ષોમાં પણ ઘઉંની અછત અને આર્થિક પડકારોને કારણે સોશિયલ મીડિયા પર ગંભીર ચર્ચાઓ થઈ ચૂકી છે. જો વર્તમાન મોંઘવારી અને આર્થિક દબાણ આ જ પ્રકારે ચાલુ રહેશે, તો આગામી સમયમાં પાકિસ્તાનમાં ખાદ્ય અસુરક્ષા અને કુપોષણની સમસ્યા વધુ વિકટ બને તેવી પૂરી સંભાવના છે.


