નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભારે ચોમાસાની વર્ષાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. મેદાની વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનને કારણે સેંકડો માર્ગો બંધ થઈ ગયા છે.
બિહારમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આઠ મુખ્ય નદીઓના જળસ્તરમાં ભારે વધારો થયો છે. રાજધાની પટનામાં ગંગા નદી ખતરાના નિશાનથી આશરે બે ફૂટ ઉપર વહી રહી છે. રોહતાસ સ્થિત ઇન્દ્રપુરી બેરેજ પર પાણીનું દબાણ વધતાં તમામ ૬૯ દરવાજા ખોલી દેવાયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ફરી વળ્યા છે. રાજ્યના 13 જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી)માં વરુણા નદીનું જળસ્તર વધતા કિનારાના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિની ગંભીરતા જોતાં તંત્રએ પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. અત્યાર સુધીમાં 407 પરિવારના 1768 સભ્યો સહિત કુલ 2910 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે 36 નામો તૈનાત કરવામાં આવી છે.
-
ઉત્તરાખંડમાં નદીઓ તોફાની, અલ્મોડામાં શાળાઓ બંધ
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે. હલદાનીની ગૌલા અને રામનાગરની કોસી નદીનું જળસ્તર વધવાથી આસપાસના વિસ્તારોમાં ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અલ્મોડા જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થયું છે. જેના કારણે રાજ્યમાં 175થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. કલકા-શિમલા ફોરલેન પર પરવાણુ ફ્રૂટ માર્કેટ પાસે ભારે કાટમાળ ખડકાતા ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. રસ્તા પર કાટમાળ આવવાને કારણે ડઝનો વાહનો આખી રાત ફસાયેલા રહ્યા હતા. વહીવટી તંત્ર અને રાહત દળો પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.


