ડીસા, 19 ઓક્ટોબર, 2026 : Fake ghee worth Rs. 4.82 lakh seized રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળુ નકલી ઘીનું વેચાણ વધતું જાય છે. ત્યારે જિલ્લાના ફુડ અને ડ્રગ્સ વિભાગે ડીસામાં મે. તાસ્વી માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના ગોડાઉન અને ઉત્પાદન સ્થળે દરોડા પાડીને રૂપિયા 4.82 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ગાયના ઘીના નામે બનાવટી ભેળસેળયુક્ત ઘી વેચવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
ફુડ અને ડ્રગ્સ વિભાગ, પાલનપુર દ્વારા ડીસામાં ખાદ્યચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં સર્ચ કરવામાં આવ્યું હતું . ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર, એમ.એલ. ગુર્જર અને ઈ.એસ. પટેલની ટીમે મે. તાસ્વી માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના ગોડાઉન અને ઉત્પાદન સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ દરમિયાન ‘પરિવાર કાઉ ઘી’ બ્રાન્ડનું ૪૨૯.૨ લિટર ઘી (રૂ. ૨,૭૮,૯૮૦) અને ૩૨૯ કિલોગ્રામ લુઝ ઘી (રૂ. ૨,૦૩,૯૮૦) જપ્ત કરાયું હતું. આમ કુલ રૂ. ૪,૮૨,૯૬૦ની કિંમતનો ૭૯૪.૨ લિટર/કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરીને બંને સ્થળેથી ઘીના નમૂના પૃથ્થકરણ માટે મોકલી અપાયા હતા. અને તેનો રિપોર્ટ આવ્યા બાદ પેઢી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફુડ વિભાગના અધિકારીના કહેવા મુજબ ડીસામાં પેઢીના ગોડાઉનમાં લાયસન્સ વગર ઘીનો સંગ્રહ અને વેચાણ કરાતુ હતું. જી.આઈ.ડી.સી. ખાતે શટર બંધ હોવા છતાં અંદર કામદારો દ્વારા ઘીનું ઉત્પાદન ચાલુ હતું. આ પેઢી અને તેના જવાબદાર લાલચંદભાઈ પંચીવાલા સામે અગાઉ પણ કાર્યવાહી થઈ છે. ભૂતકાળમાં પણ ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા અને દંડ ફટકારાયા હતા. રાજસ્થાનમાં પણ આ બ્રાન્ડના બે નમૂના અસુરક્ષિત જાહેર થયા હતા.


