ગાંધીનગર, 19 ઓક્ટોબર, 2026 : Two killed as two bikes collide head-on on Vasaniya Mahadev Road જિલ્લાના વાસણિયા મહાદેવ રોડ પર બે બાઈક પૂર ઝડપે સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે બે યુવાનોને ગંબીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવમાં પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જિલ્લાના ઉનાવા ગામે નવરાત્રિ ગરબામાં ભાગ લીધા બાદ વહેલી સવારે ચા પીવા નીકળેલા યુવાનોના બાઈકને વાસણીયા મહાદેવ રોડ પર સામેથી હેડલાઈટ વગર પૂરઝડપે આવેલા અન્ય એક બાઈકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે યુવકના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બે સગીરો ગંભીર રીતે ઘવાતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાવા ગામના 21 વર્ષીય યશ રાઠોડ તેમના મિત્રો 17 વર્ષીય દિપેશ ચૌહાણ અને 17 વર્ષીય રુદ્ર રાઠોડ સાથે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગરબા સંપન્ન થયા બાદ વાસણીયા મહાદેવ તરફ ચા પીવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી હેડલાઈટ વગર પૂરઝડપે ધસી આવેલી GJ18DQ1796 નંબરની બાઈકે યશના બાઈકને ધડાકાભેર ટક્કર મારતાં ચારેય યુવાનો રોડ પર પટકાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સના તબીબે તપાસીને યશ રાઠોડને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દિપેશ, રુદ્ર અને સામેવાળા બાઈકના ચાલક દર્શન નાયકને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન દર્શન નાયકનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં મૃતક યશના પિતા શૈલેષભાઈ રાઠોડને હૃદયની બીમારી હોવાથી તેમના નાના ભાઈ સંજયભાઈ રાઠોડ ઘટનાસ્થળ અને હોસ્પિટલ દોડી ગયા હતા. આ અંગે સંજયભાઈની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે બંને મૃતક યુવાનોના પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


