છત્તીસગઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીના દરોડા
નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ઈડીએ અનેક રાજકીય આગેવાનોના નિવાસસ્થાન ઉપર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ ઉપર દરાડા પાડીને ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને પીએમ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.
છત્તીસગઢમાં કોંગ્રેસના વિવિધ નેતાઓના ઘરે ઇ.ડી.એ દરોડા પાડ્યાં છે. જે નેતાઓના નિવાસસ્થાને દરોડા પડ્યા હોવાની ખબર મળી રહી છે તેમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના ખજાનચી રામગોપાલ અગ્રવાલ, શ્રમકલ્યાણ મંડલ અધ્યક્ષ સુશીલ અગ્રવાલ, ભિલાઇના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, પ્રવકતા આર.પી.સિંગ, અને વિનોદ તિવારીનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે આ કાર્યવાહી કોલસા ગોટાળા સંબંધી કરવામાં આવી રહી છે. આ દરોડા શ્રીરામનગર, ડીડી નગર, ગીતાંજલી નગર, મોવા, ભિલાઇમાં ચાલી રહ્યાં છે. ઈડીની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરીને પીએમ નરેન્દ્ર મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ ઈડીની આ કાર્યવાહીને રાજકીય ગણાવી હતી.