હૈદરાબાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત રિયલ એસ્ટેટ છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં તેલુગુ અભિનેતા મહેશ બાબુને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહેશ બાબુ (ઉ.વ 49) ને 28 એપ્રિલે ફેડરલ તપાસ એજન્સીના કાર્યાલયમાં હાજર રહેવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ વેંગલ રાવ નગર સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ફર્મ સાઈ સૂર્યા ડેવલપર્સ, સુરાણા ગ્રુપ અને કેટલાક અન્ય લોકો સાથે સંબંધિત છે.
ED એ આ કેસમાં 16 એપ્રિલે સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી સ્થિત પરિસરમાં દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેશ બાબુ હાલમાં આ કેસમાં આરોપી નથી અને કદાચ આ છેતરપિંડીમાં સીધા સંડોવાયેલા નથી. EDને શંકા છે કે અભિનેતાએ આ જૂથોના પ્રોજેક્ટ્સને તેમની કથિત છેતરપિંડીથી વાકેફ થયા વિના પ્રમોટ કર્યા હશે. તેમણે કહ્યું કે એજન્સી 5.9 કરોડ રૂપિયાના વ્યવહારોની તપાસ કરી રહી છે જે અભિનેતાને કંપનીઓ પાસેથી ચેક અને રોકડ દ્વારા જાહેરાત ફી તરીકે મળ્યા હતા. ટિપ્પણી માટે અભિનેતાનો સંપર્ક થઈ શક્યો નહીં.
EDનો આ કેસ તેલંગાણા પોલીસની ફરિયાદ સાથે જોડાયેલો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા અને ભાગ્યનગર પ્રોપર્ટીઝ લિમિટેડના ડિરેક્ટર નરેન્દ્ર સુરાણા અને અન્ય લોકોએ પ્લોટના વેચાણ માટે એડવાન્સિસના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી.