કર્ણાટકમાં ટીપુ સુલતાન અને સાવરકરજીની વિચારચારાને લઈને ચૂંટણી યોજાશે, ભાજપના નેતાના નિવેદનથી વિવાદ સર્જાયો
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય બીજેપી અધ્યક્ષ નલિન કુમાર કટીલના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં આ ચૂંટણી ટીપુ સુલતાન વિરુદ્ધ સાવરકરની છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં પરંતુ સાવરકર અને ટીપુ સુલતાનની વિચારધારાઓ વચ્ચે લડવામાં આવશે. અગાઉ પણ તેમણે વિકાસ તથા લવ જેહાદ વચ્ચેની ચૂંટણીનું નિવેદન કરતા વિવાદ ઉભો થયો હતો. ભાજપના નેતાના આ નિવેદનથી વિવાદ ઉભો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
તેમણે કહ્યું, આ ચૂંટણી ટીપુ સુલતાન અને સાવરકર વચ્ચે છે. હું સિદ્ધારમૈયાને પડકાર આપુ છું કે આ દેશને બેમાંથી કયા દેશભક્તોની જરૂર છે તેની ચર્ચા કરીએ. તેમને ટીપુ જયંતિ ઉજવવાની છૂટ છે, જેની આ રાજ્યમાં જરૂર નથી.
કાતિલના નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ ટીપુ સુલતાનની નીતિઓ પર રાજનીતિ કરી રહી છે. અમે નલવાડી કૃષ્ણરાજ વાડિયારની નીતિઓ પર રાજનીતિ કરી રહ્યા છીએ. તેમની વચ્ચે ઘણો તફાવત છે. નલવાડી કૃષ્ણરાજ વાડિયાર એટલે વિકાસ. ભાજપના નેતાઓના આ નિવેદન બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે, ભાજપના નેતાએ આ ખૂબ જ ખોટું નિવેદન આપ્યું છે. તે દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.