ગાંધીનગર, 26 જુન, 2026 : Electricity saving campaign launched in government offices ગ્લોબલ વોર્મિંગ અને દિન-પ્રતિદિન વધતા જતા તાપમાનને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઊર્જા બચાવો અભિયાન અંતર્ગત ઊર્જા અને પેટ્રોકેમિકલ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના બિનજરૂરી વીજ વપરાશ ઘટાડીને નાણાકીય શિસ્ત અને પર્યાવરણીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઊર્જા-પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તમામ જાહેર ક્ષેત્રોમાં ઊર્જા કાર્યક્ષમતા, ઊર્જા ઉત્પાદન, ટકાઉ વિકાસ અને ખર્ચ-અસરકારકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્યની સરકારી કચેરીઓ અને વહીવટી ઇમારતો એ સંસ્થાકીય વીજળી વપરાશનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના મોટા પ્રમાણમાં ઊર્જા બચાવી શકાય છે, જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે જવાબદારીપૂર્વકના ઊર્જા વપરાશની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ઓફિસ સમય પૂર્ણ થયા બાદ, સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઈટ, પંખા, એસી અને કમ્પ્યુટર સિસ્ટમ ફરજિયાત બંધ રાખવાની રહેશે. જે અધિકારીઓ રજા પર કે ફિલ્ડ ડ્યુટી પર હોય તેમની ખાલી કેબિનના વીજ ઉપકરણો પણ બંધ રાખવા માટે કચેરીના વડાઓએ દૈનિક દેખરેખ રાખવાની રહેશે તેમજ દરેક મોટા વિભાગમાં ‘નોડલ અધિકારી’ ની નિમણૂક કરવામાં આવશે.
BEEના નોટિફિકેશન અનુસાર, તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત ૨૪ ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. આ ઉપરાંત, મેન્યુઅલ ભૂલોને કારણે થતો વીજ વ્યય અટકાવવા માટે કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ એરિયા અને શૌચાલયોમાં આપમેળે કામ કરતા ઓક્યુપન્સી સેન્સર્સ અને ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવશે. કચેરી સમય બાદ એટલે કે સાંજે ૬ વાગ્યા પછી વોટર કુલર બંધ કરવા અને સવારે ૯ વાગ્યા પછી જ ચાલુ કરવાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

