Site icon Revoi.in

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. આ ઉપરાંત ચાર નક્સલવાદીઓને કાંકેરમાં ઠાર મારવામાં આવ્યાં હતા. આ અથડામણમાં એક જવાન શહીદ થયો હતો.

બીજાપુરના ગંગાલુર વિસ્તારના પ્રવેશ પાસેના જંગલોમાં અથડામણ થઈ હતી. એસપી જીતેન્દ્ર યાદવએ જણાવ્યું હતું કે, હજુ અથડામણ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અથડામણ એવા સમયે થઈ હતી જ્યારે સુરક્ષાદળોનું એક સંયુક્ત દળ ગંગાલુર વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન ઉપર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં થોડા-થોડા સમયે ગોળીબાર થઈ રહ્યો છે.

બીજાપુર અને દંતેવાડાના સરહદી વિસ્તારમાં ગંગાલૂર ખાતે નક્સલ વિરોધી અભિયાન ઉપર ડીઆરજી, એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ નીકળી હતી. ઓપરેશન દરમિયાન ગુરુવારે સવારે ઉદ્રવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ફાયરિંગ ચાલી રહ્યું છે. જેના પગલે સર્ચ ઓપરેશનમાં અથડામણ સ્થળ પર મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળા સાથે બે નક્સલવાદીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યાં છે. અથડામણમાં બીજાપુર ડીઆરજીના એક જવાન શહીદ થયાં છે.