
ચૂંટણીમાં ભલે મુદ્દો બનાવાતો હોય પણ ગુજરાતમાં ક્યારે ય દારૂબંધી હટશે નહીઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ ગાંધીજીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, છતાં ગુજરાતમાં છૂટથી દારૂ વેચાઈ રહ્યો છે. એવા આક્ષેપ સાથે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તેવી શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓ માગણી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે દારૂબંધી હટાવી લેવાના ચૂંટણી વચનો આપવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી સંસ્કૃતિ વારસો અને તેનું મૂલ્ય છે. ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ક્યારેક નહિ આવે. જો કોઈ તેને ચુંટણી મુદ્દો બનાવે એ અલગ વાત છે. આના માટે બોડર ક્રોસ કરવી પડશે.
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, જે લોકો ચુંટણી લડે છે તે રાજકીય નેતા છે. આપણે રાજકારણને જેટલું ગંદુ ગણીએ છીએ એટલું રાજકારણ ગંદુ નથી. 50 કર્મચારીના ઓફિસ અને પરિવારમાં પણ રાજકારણ હોય છે. જેટલું રાજકારણ કોર્પોરેટ ઓફિસમાં હોય છે એટલું ચૂંટણીવાળા રાજકારણમાં નથી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. વેપારીઓ શાંતિથી વ્યવસાય કરી શકે છે. ગુજરાતે મુડી રોકાણનું સ્તર જાળવી રાખ્યું છે. હાલમાં સરકાર ઈ-એફઆઈઆર પર કામ કરી રહી છે. શી ટીમ માટે નવા ડ્રેસ માટે કામ ચાલી રહ્યું છે. પોલીસથી ડરવાની જરૂર નથી. દુનિયામાં કપડાં આધારે લોકો તમારી કપેસિટી નક્કી કરે છે. મે મારા ઘણા મિત્રો અને અન્ય પરિવારોને ડ્રગથી બરબાદ થતાં જોયા છે. નવી સરકાર બન્યા બાદ અમે તેના પર કડકાઈથી કામ કર્યું છે. ડ્રગ આજે ફેશન સ્ટેટસ બનતું જાય છે. પરંતુ બીજા દેશોની સરખામણીએ આપણા દેશની સ્થિતિ ગણી સારી છે. અમારી સરકારે 752 ડ્રગ માફિયાને પકડ્યા છે. એક પણ ડ્રગ લેનારને અમે નથી પકડ્યો, એમની જિંદગી અમે બગાડવા માગતા નથી. લેવા વાળાને નહિ વેચનારને પકડ્યા છે. દારૂના મોટા સપ્લાયરો સામે પણ કડક હાથે કામ લીધું છે. દારૂબંધી ગુજરાતમાં છે, તેને કોઈ હટાવી શકે તેમ નથી.