સાંજનો નાસ્તો હવે બનશે હેલ્ધી: ઘરે જ બનાવો ક્રિસ્પી બેસન પોપકોર્ન, જાણો રેસીપી
સાંજ પડતાની સાથે જ કંઈક હળવું અને ચટપટું ખાવાની ઈચ્છા જાગે ત્યારે અવારનવાર આપણું મન જંક ફૂડ તરફ વળે છે. પિઝા, બર્ગર કે પેકેટ ફૂડ સ્વાદમાં સારા લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારા પરિવાર માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શોધતા હોવ, તો ‘બેસન પોપકોર્ન’ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ પડે તેવો આ નાસ્તો બનાવવામાં અત્યંત સરળ છે.
- જરૂરી સામગ્રી
બેસન: 1 કપ
હર્બ્સ (ઓરિગાનો અને થાઈમ): અડધી ચમચી
ચાટ મસાલો: અડધી ચમચી
હળદર પાવડર: 1/4 ચમચી
લાલ મરચું પાવડર: અડધી ચમચી
મીઠુ: સ્વાદ મુજબ
ઓલિવ ઓઈલ: 1 ચમચી
પાણી: જરૂરિયાત મુજબ
- બનાવવાની રીત
સૌથી પહેલા એક મોટા બાઉલમાં બેસન લો. તેમાં હળદર, લાલ મરચું, નમક અને હર્બ્સ ઉમેરો. હવે ધીરે-ધીરે પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું (બેટર) તૈયાર કરો. ધ્યાન રાખો કે ખીરું એટલું ઘટ્ટ હોવું જોઈએ કે ચમચી પર સરળતાથી ટકી રહે. તૈયાર થયેલા ખીરામાંથી નાની-નાની બોલ્સ જેવી સાઈઝ બનાવી તેને એર ફ્રાયરમાં 12 થી 15 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. જો માઇક્રોવેવ હોય તો 3 થી 4 મિનિટમાં પણ તેને પકવી શકાય છે. હવે એક પેનમાં એક ચમચી ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલા બેસન પોપકોર્ન નાખીને હળવા શેકો જેથી તે વધુ ક્રંચી બને. ઉપરથી ચાટ મસાલો છાંટીને બરાબર મિક્સ કરી લો. તમારા ગરમાગરમ હેલ્ધી બેસન પોપકોર્ન તૈયાર છે! તેને લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ નાસ્તો પેટ માટે હળવો છે અને પ્રોટીનથી ભરપૂર હોવાથી ડાયેટ કરનારા લોકો માટે પણ ઉત્તમ છે.


