પરીક્ષા પે ચર્ચા: પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યો અમૂલ્ય મંત્ર
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક અમૂલ્ય મંત્ર આપતા જણાવ્યું કે, દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી શૈલી મુજબ જ અભ્યાસ કરવો જોઈએ. તેમણે ટકોર કરી હતી કે સલાહ સૌની સાંભળવી, પણ ફેરફાર ત્યારે જ કરવો જ્યારે તમને તે યોગ્ય લાગે.
કાર્યક્રમના પ્રથમ અધ્યાય ‘તમારી શૈલી, તમારી ગતિ’ પર ચર્ચા દરમિયાન ગુજરાતની એક વિદ્યાર્થિનીએ વડાપ્રધાનને મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો હતો. તેણે જણાવ્યું કે, પરીક્ષા સમયે શિક્ષકો અને વાલીઓ પોતપોતાની રીતે અભ્યાસ કરવાની સલાહ આપે છે, જ્યારે વિદ્યાર્થીની પોતાની પદ્ધતિ અલગ હોય છે. આ સ્થિતિમાં શું કરવું?
આ પ્રશ્નના ઉત્તરમાં પીએમ મોદીએ હળવાશથી કહ્યું કે, “આ પેટર્નનો સંઘર્ષ તો આજીવન ચાલે છે. હું વડાપ્રધાન બની ગયો છું, છતાં લોકો મને અલગ-અલગ રીતે કામ કરવાની સલાહ આપે છે. પરંતુ દરેકની કામ કરવાની પોતાની એક પદ્ધતિ હોય છે.” વિદ્યાર્થીઓને સહજ રીતે સમજાવતા તેમણે ભોજનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “જ્યારે પરિવાર સાથે જમવા બેસે છે, ત્યારે દરેકની જમવાની રીત અલગ હોય છે. કોઈ પહેલા શાક ખાશે, કોઈ દાળથી શરૂઆત કરશે, તો કોઈ બધું મિક્સ કરીને ખાશે. જ્યારે વ્યક્તિ પોતાની રીતે જમે છે, ત્યારે જ તેને સંતોષ મળે છે.”
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ સવારે વહેલા વાંચે છે તો કોઈ મોડી રાત્રે. તમારી જે કુદરતી શૈલી છે તેને વળગી રહો. બીજાની સલાહ સાંભળો, પણ તેનો અમલ ત્યારે જ કરો જો તમારા અનુભવમાં તે ફાયદાકારક જણાય. પીએમએ ‘પરીક્ષા પે ચર્ચા’ના ફોર્મેટમાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કરી સમજાવ્યું કે સમય સાથે પરિવર્તન જરૂરી છે, પણ મૂળ રીત જાળવી રાખવી જોઈએ.
વડાપ્રધાન સાથેના આ સંવાદ બાદ વિદ્યાર્થીનીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, પીએમ મોદીનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ છે. તેઓ બાળકો સાથે ભળી ગયા હતા અને તેમણે ખૂબ જ સરળ રીતે સમજાવ્યું કે આપણે આપણી પદ્ધતિ પર ફોકસ રાખીને અન્યોના સારા ગુણોને સ્વીકારવા જોઈએ.


