1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીર અને જાંબુઘોડા સહિતના અભ્યારણ્યોમાં હાલના કાચા માર્ગો અને પુલીયાને પહોળા કરાશે
ગીર અને જાંબુઘોડા સહિતના અભ્યારણ્યોમાં હાલના કાચા માર્ગો અને પુલીયાને પહોળા કરાશે

ગીર અને જાંબુઘોડા સહિતના અભ્યારણ્યોમાં હાલના કાચા માર્ગો અને પુલીયાને પહોળા કરાશે

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અભ્યારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વન્ય અભ્યારણ્ય વિસ્તારોમાં રેલ્વે લાઈન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા પ્રોજેક્ટથી થતી પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ થવો જોઈએ.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 22મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આ સૂચનો કર્યા હતા. તેમણે આ વન્ય પ્રાણી વિસ્તારોમાં જ્યાં ઘાસ કે ઝાડ ન હોય અને ખુલ્લી જમીનો હોય તેનો પણ સર્વે હાથ ધરવાનું પ્રેરક સૂચન પણ આ બેઠકમાં કર્યું હતું.

સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની આ 22મી બેઠકમાં રાજ્યના ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, નારાયણ સરોવર, કચ્છ અભ્યારણ્ય સહિતના અભ્યારણ્યમાં હયાત કાચા રસ્તા, નાળા-પૂલીયાને પહોળા કરવા કે મરામત કરવી તેમજ 66 KV સબ સ્ટેશન અને વીજ લાઈન તેમજ IOCની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન, જેવી દરખાસ્તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-29ની જોગવાઈઓ ધ્યાને રાખીને મંજૂર કરવામાં આવી હતી.

વનમંત્રી મુળૂભાઇ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતી કેટલીક નવી દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી હતી. તદઅનુસાર, બાલારામ-અંબાજી અભ્યારણ્યના ઇકો સેન્સિટીવ ઝોન વિસ્તારમાં તારંગા હિલથી અંબાજી-આબુરોડ નવી બ્રોડગેજ લાઈન નાખવા વન્યજીવ દ્રષ્ટિકોણથી ભલામણ સહિતની પ્રપોઝલ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની બેઠકમાં મૂકવામાં આવી હતી.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આવી દરખાસ્તો સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની ભલામણ મેળવીને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ મોકલવાનું જણાવાયેલું છે. વન વિભાગ હવે આ દરખાસ્તને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફમાં મોકલશે તેવું પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં સુધારેલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972નો તા.1એપ્રિલ 2023થી અમલ કરવામાં આવે છે તે અંગેની વિસ્તૃત વિગતો અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ શ્રીવાસ્તવે આ બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. કલમ 25-A અનુસાર જમીન સંપાદન, પૂનર્વસન અને પુન:સ્થાપન અધિનિયમ-2013માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર અન્વયે કાર્યવાહી કરવાની સત્તાઓ જિલ્લા કલેકટરને આપવામાં આવેલી છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, કલમ-33 અંતર્ગત ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર તેમના દ્વારા મંજૂર કરાયેલા અભ્યારણ્ય માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર અભ્યારણ્યનું નિયંત્રણ સંચાલન અને રક્ષણ કરશે તેવી જોગવાઈની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાની મઘરડી નાની સિંચાઈ યોજનામાં જંગલની જમીન ઉપયોગમાં લેવાના બદલાની જમીનમાં પ્રેમપરાની 38.23 હેક્ટર જમીનને વન્ય પ્રાણી સંરક્ષણ ધારા-1972 અંતર્ગત આ વર્ષે પ્રેમપરા અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલી છે તેમ જણાવવામાં આવ્યું હતું.

વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનના ભાગરૂપે વન વિભાગ દ્વારા સામાન્યતઃ દર પાંચ વર્ષે રાજ્યમાં વન્ય પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવામાં આવે છે. આ સંદર્ભમાં થયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ ડોલ્ફિન, રીંછ, ગીધ, વરુ, ઝરખ, ચિત્તલ અને નીલગાય જેવા પ્રાણીઓની વસ્તીમાં થયેલ વૃદ્ધિની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે સ્ટેટ બોર્ડ ફોર વર્લ્ડ લાઈફની આ બેઠકની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, સંરક્ષણ કન્ઝર્વેશન સામે વિકાસ-ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ અપનાવીને સ્ટડી અને એસેસમેન્‍ટ અભ્યારણ્ય વિસ્તારમાં કરવાની આવશ્યકતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code