1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 51થી વધારે દેશમાં જનરિક દવાઓની નિકાસ વધીઃ કેન્દ્રીય મંત્રી
51થી વધારે દેશમાં જનરિક દવાઓની નિકાસ વધીઃ કેન્દ્રીય મંત્રી

51થી વધારે દેશમાં જનરિક દવાઓની નિકાસ વધીઃ કેન્દ્રીય મંત્રી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાનામાં નાના, છેવાડાના, વંચિત કે જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે. ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત તહેત મળે છે. એટલું જ નહિ, જરૂરતમંદ લોકોને સસ્તી અને સારી દવાઓ પણ હવે સરળતાએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા મળી રહે છે. દરમિયાન દુનિયાના 51થી વધારે દેશમાં જનરિક દવાઓના નિકાસ માટેની માંગ પણ ખુબ જ વધી હોવાનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.

જન ઔષધિ દિવસની ઉજવણી અવસરે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં આજે દરેક કલ્યાણ યોજના હોય કે આરોગ્ય સુવિધા સહિતના જનહિતલક્ષી કાર્યક્રમો હોય નાના માનવી, ગરીબોને કેન્દ્રસ્થાને રાખીને જ તેનું આયોજન થાય છે. તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ આવા નાના, છેવાડાના, ગરીબ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા યોજનાઓના 100 ટકા લાભાર્થી કવરેજનો એટલે કે સેચ્યુરેશન લેવલનો અભિગમ અપનાવ્યો છે. મળવાપાત્ર લાભથી કોઇ લાભાર્થી વંચિત ન રહે એવો જનહિત ધ્યેય સેચ્યુરેશન લેવલથી સાકાર થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, કોઇ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોમાં ગંભીર બિમારી આવે એટલે મોંઘી દવાઓના ખર્ચથી બચવા આવા પરિવારો દર્દ સહન કરી લેતા તેવી સ્થિતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાવીને આવા લાખો પરિવારોને સસ્તી, સારી અને ગુણવત્તાયુકત દવાઓ બજાર કિંમત કરતાં 50 થી 90 ટકા જેટલી સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી છે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલી સર્વસમાવેશી વિકાસ અને સર્વકલ્યાણની નીતિ રાજ્યની ગૌરવવંતી વિકાસ યાત્રાનો આધાર રહી છે. રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જનઆરોગ્ય-મા યોજના અંતર્ગત પરિવારદીઠ વીમાની વાર્ષિક મર્યાદા બે ગણી એટલે કે પાંચ લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરી છે. રાજ્યમાં દૂર દરાજના અને છેવાડાના વિસ્તારો સુધી આરોગ્યકેન્દ્રો અને પ્રધાનમંત્રી ભારતીય જનઔષિધ કેન્દ્રોના માધ્યમથી ઉત્તમ આરોગ્ય સારવાર સુવિધાઓ સુલભ બની છે.

જનઆરોગ્ય સુરક્ષાની આ જ પ્રતિબદ્ધતા વડાપ્રધાનના દિશાદર્શનમાં જનસહયોગથી આગળ ધપાવી ‘‘સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા’’નો સંકલ્પ ગુજરાતમાં ચરિતાર્થ કરવાની પણ મુખ્યમંત્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, લોકોમાં એવી ગેરમાન્યતા છે કે આવી દવાઓ અસરકારક નથી પણ જનરિક દવાઓનો ઉપયોગ ખાલી ભારતમાં જ નહિ પરંતુ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ થઇ રહ્યો છે. 51 જેટલા દેશોમાં જનરિક દવાઓના નિકાસ માટેની માંગ પણ ખુબ જ વધી છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતમાં આજે એવી ઘણી પ્રગતિશીલ ઘટનાઓ બની રહી છે જે વિશ્વના કોઈ ખૂણે બની નથી. એમાંનો જ એક પ્રયોગ એેટલે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” છે. તેમણે આ વર્ષના જન ઔષધિ દિવસની ઉજવણીની થીમ ‘સસ્તી પણ-સારી પણ’ અંતર્ગત લોકોમાં જનરિક દવાઓના ઉપયોગનો વ્યાપક પ્રચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code