Site icon Revoi.in

અમદાવાદના જમાલપુરમાં ફટાકડા ફોડવાની બાબતે પરિવાર પર હુમલો, ત્રણ ઘવાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીના અનેક બનાવો બન્યા છે. જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની હતી. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખી ગઈકાલે સવારે ફરિયાદી પુશાજી ઠાકોર અને તેના પરિવારને કાચના માછલી ઘર અને ઈંટના ટુકડા વડે માર મારવામાં આવતા 3 લોકો ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૂની અદાવતનો દાઝ રાખી હુમલો કરવામાં આવતા સુરેશ ગેહલોત, સોનલ ભાટી, દુષ્યંત ગેહલોત અને મનીષા ગેહલોત સામે પુશાજી ઠાકોરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર નામના ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. નવા વર્ષના દિવસે રાત્રે ફટાકડા ફોડવા બાબતે પુશાજી ઠાકોરની સુરેશ ગેહલોત સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ માત્ર બોલાચાલી થયા બાદ મામલો શાંતિ પૂર્વક થાળે પાડતા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહતી. પરંતુ જૂની બબાલનો ખાર રાખી સુરેશ ગેહલોતના બહેન સોનલબેન ભાટી જગાડો કરવા માટે આવ્યા હતા. મારા ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો કહીને સોનલબેને ફરિયાદી પુશાજી ઠાકોરને બે લાફા ઝીંકી દીધા હતા. જે બાદ દુષ્યંત ગેહલોતે ઘરમાંથી કાચનું માછલી ઘર ફરિયાદીના માથાના ભાગે માર્યું હતું. જે દરમિયાન ફરિયાદીની ભત્રીજી છોડાવવા માટે વચ્ચે પડતા મનિષાબેન ગેહલોતે ઇંટનો ટુકડો કપાળના ભાગે માર્યો હતો. તેમજ ફરિયાદીનો દીકરો પિતાને છોડાવવા માટે જતા તેને પણ સુરેશ ગેહલોતે માર માર્યો હતો. તો દીકરાની પુત્રવધૂ પણ વચ્ચે પડતા તેને પણ સોનલબેને પેટના ભાગે માર્યો હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે. આ બનાવમાં ધવાયેલા ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મારામારીની ઘટનાને લઈને ફરિયાદીએ સુરેશ ગેહલોત, સોનલબેન ભાટી, દુષ્યંત ગેહલોત તેમજ મનીષા ગેહલોત સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.