
અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર
મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે, તેઓ ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’માં દશરથની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.
અરુણ ગોવિલે પશ્ચિમી ઉત્તર પ્રદેશના શહેર મેરઠથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હાલમાં તેઓ આ વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત છે. ગોવિલને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે તો કેટલીક જગ્યાએ તેમને વિરોધનો પણ સામનો કરવો પડ્યો છે. ગોવિલ તેમને મળી રહેલું સમર્થન જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવેલા અરુણ ગોવિલને અભિનયની દુનિયામાં તેમની સક્રિયતા વિશે હજુ ખાતરી નથી.
અરુણ ગોવિલએ જણાવ્યું હતું કે, “અભિનયની દુનિયા સિવાય મારા માટે આ એક નવી તક છે. હું ઉત્સાહિત છું. બધું બરાબર ચાલી રહ્યું છે. હું મારા મતવિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત છું. મને પાર્ટીમાં દરેકનો ટેકો મળી રહ્યો છે, જેના કારણે હું ઉત્સાહિત છું.” રાજનીતિમાં આવવાનો નિર્ણય અચાનલ લીધો છે. મને પહેલા પણ ચૂંટણી લડવાની ઓફર મળી હતી પરંતુ તેને નકારી કાઢી હતી, પરંતુ આ વખતે મેં મારા હૃદયની વાત સાંભળી અને આગળ વધ્યો છું. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય જનતાની સેવા કરવાનો છે.”
રાજનીતિની સાથે અભિનય તરફ ધ્યાન આપવાના પ્રશ્ન પર ભાજપના નેતાનું કહેવું છે કે તેણે હજુ સુધી આ અંગે કંઈ વિચાર્યું નથી. અત્યારે હું ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છું, તેથી મારું સંપૂર્ણ ધ્યાન માત્ર ચૂંટણી પર છે. અરુણ ગોવિલ પણ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. તેમણે ઉગાઉ કોંગ્રેસની તરફેણમાં પ્રચાર પણ કર્યો હતો. ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ મુંબઈમાં કોંગ્રેસના સમર્થનમાં યોજાયેલી તેમની રેલીઓના ફોટા વાયરલ થઈ રહ્યા છે.