Site icon Revoi.in

ભરૂચ નજીક નર્મદા નદીમાં રેતીની બેરોકટોક ચોરી સામે ખેડૂતોએ ડમ્પરો રોકી કર્યો વિરોધ

Social Share

ભરૂચ, 10 મે 2026: Farmers protest against sand theft  તાલુકાના જુના તવરા અને કરોડ ગામની નજીક પસાર થતી નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સ્થાનિક ખેડૂતોએ મોરચા માંડ્યો છે. રાજ્ય સરકારનો પ્રતિબંધ છતાંયે ખનીજ માફિયાઓ દ્વારા નર્મદા નદીમાંથી રેતીની ચોરી બેરોકટોક કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ આ અંગે ખનીજ વિભાગને ફરિયાદ પણ કરી હતી. છતાંયે ખનીજ માફિયા સામે કોઈ પગલાં લેવાયા નથી. આથી જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ રેતી ભરેલા ડમ્પરો અટકાવી ભારે વિરોધ કર્યો હતો.

તવારા અને કરોડ ગામના સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ, નર્મદા નદી કિનારેથી રેતી ભરીને પસાર થતા ભારે ડમ્પરોને કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ડમ્પરોની સતત અવરજવરથી ગામના મુખ્ય અને આંતરિક માર્ગો કીચડમય બની ગયા છે, જેના કારણે ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તાઓની બિસ્માર હાલતને લીધે અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે. આ વિસ્તારમાં અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર દોડી રહ્યા છે, છતાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે અગાઉ પંચાયત અને ખાણ-ખનીજ વિભાગમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. આખરે પરિસ્થિતિથી કંટાળેલા ખેડૂતોએ ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ ઘટના અંગે ભરૂચ જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળ તપાસ માટે રવાના કરવામાં આવી છે. તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે, તો જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.

Exit mobile version