Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય...

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ડુગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની હતી. અને પોષણક્ષણ ભાવ આપવા ખેડુતોએ માગણી કરી હતી. આથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડ્સમાં ડુંગળી વેચવા માટે આવનારા ખેડુતોને પ્રતિકિલોએ રૂપિયા બેની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલા APMCમાં ખેડૂત દ્વારા વેચાણ થતી ડુંગળી માટે ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં એક ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલોના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ.50,૦૦૦ સુધી સહાય મળવા પાત્ર થશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.100 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રવી ઋતુમાં અંદાજીત 80,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું હતુ. જે સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં વધારે હોઈ સરેરાશ અંદાજે વધુ ઉત્પાદન થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ APMCમાં ડુંગળીની ભારે માત્રામાં આવક થઇ છે. પરિણામે 1 એપ્રિલથી APMCમાં ડુંગળીના વેચાણ ભાવ ઘટ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવા માટે અનેક રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડુંગળી પકવતાખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ હતું કે, વિવિધ APMCમાં ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતોની દેખરેખ અને નિરિક્ષણની કામગીરી, ખેતબજાર નિયામક અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા કરવાની રહેશે. આ યોજનાના અમલીકરણની કામગીરી જે તે જિલ્લાની બજાર સમિતિ અને જિલ્લા રજિસ્ટ્રારે કરવાની રહેશે. ખેડૂતોના ખાતામાં DBTથી સહાય ચૂકવવામાં આવશે. કૃષિ મંત્રીએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનો ખેડૂતો વતી આભાર માન્યો હતો.

સંબંધિત લેખો

Most Popular