Site icon Revoi.in

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ

Social Share

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ શરૂ થઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની લશ્કરી ચોકી પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ તાલિબાન સુરક્ષા દળોએ પાકિસ્તાની સૈનિકો પર સશસ્ત્ર કાર્યવાહી માટે હુમલા શરૂ કર્યા હતા. તેમણે દક્ષિણ પ્રાંત હેલમંડમાં બે પાકિસ્તાની સરહદી ચોકીઓ કબજે કરવાનો પણ દાવો કર્યો હતો. સ્થાનિક અધિકારીઓએ તાલિબાનના દાવાની પુષ્ટિ કરી હતી.

પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ અનેક સરહદી સ્થળોએ અથડામણો સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેઓ હુમલાનો પ્રતિકાર કરી રહ્યા છે.ગુરુવારે રાજધાની કાબુલમાં બે અને દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનમાં એક વિસ્ફોટ થયો હતો. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓના સંદર્ભમાં પાકિસ્તાન પર તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. જ્યારે પાકિસ્તાને આ હુમલાઓની જવાબદારી સ્પષ્ટપણે સ્વીકારી નથી, ત્યારે તેણે અફઘાનિસ્તાનને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને આશ્રય આપવાનું બંધ કરવા હાકલ કરી છે.

TTP પર 2021 થી સેંકડો પાકિસ્તાની સૈનિકોની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. TTP એ અફઘાનિસ્તાનમાં લશ્કરી તાલીમ મેળવી હોવાનું માનવામાં આવે છે અને તાલિબાન સાથે વૈચારિક સંબંધો ધરાવે છે.છેલ્લા કેટલાક મહિનાઓથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. બંને દેશો બે હજાર 600 કિલોમીટર લાંબી પર્વતીય સરહદ ધરાવે છે જેને ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે.