
કોરોના સામે લડાઈઃ ગુજરાતમાં 50 ટકાથી વધારે લોકોને અપાઈ રસી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાને ડામવા માટે રસી જ એક રામબાણ હોવાથી સરકાર દ્વારા મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.68 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના 4.89 કરોડ લોકો છે. જે પૈકી 50 ટકાથી વધુ વસતી હવે કોરોના વેક્સિન લઇ ચૂકી છે. અત્યારસુધી 2.68 કરોડ વ્યક્તિ કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ ચૂકી છે. રાજ્યમાં 18થી 44 વર્ષની વયજૂથમાં 1.06 કરોડ, 45-60 વર્ષની વયજૂથમાં 89.97 લાખ, 60થી વધુની ઉંમરના 72.05 લાખ વ્યક્તિઓએ કોરોના વેક્સિન લીધી છે. અત્યારસુધી 1.22 કરોડ મહિલાઓ તથા 1.45 કરોડ પુરૂષોએ વેક્સિન લીધી છે. રાજ્યમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 30.46 લાખ, સુરત શહેરમાંથી 22.44 લાખ, વડોદરા શહેરમાંથી 12.69 લાખ, બનાસકાંઠામાંથી 10.87 લાખ અને મહેસાણામાંથી 9.81 લાખ લોકોએ રસી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં લગભગ 2500થી વધારે હોસ્પિટલો અને કેન્દ્રો ઉપરથી દરરોજ સરેરાશ બે લાખથી વધારે વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા જ સંભવિત રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.