અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં વધુ એકવાર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના ડોકટર હાઉસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલમાં 10થી વધારે કોરોના પીડિતો સારવાર લેતા હતા. તેમને સહીસલામત રીતે બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડોકટર હાઉસમાં પાંચમાં માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દરમિયાન મોડી રાતે અચાનક બ્લાસ્ટ બાદ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગનો બનાવ બન્યો ત્યારે હોસ્પિટલમાં 10 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. તમામ દર્દીઓ તથા સ્ટાફને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતા. તેમજ દર્દીઓને સારવાર અર્થે તાત્કાલિક સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ફાયર વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં જાનહાનિ ટળી છે. ફાયર વિભાગની ટીમ સાથે હોસ્પિટલના સ્ટાફે પણ કામગીરીમાં સાથ આપ્યો હતો. આ બનાવની જાણ થતા મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ફાયરબ્રિગેડ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં અમદાવાદ સહિત રાજ્યમાં અનેક કોવિડ હોસ્પિટલમાં અગાઉ આગ લાગી હતી. આ અંગે કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. દરમિયાન હવે સુરતની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા તંત્રની કામગીરી પણ અનેક સવાલો ઉભા થયાં છે.


