સુરત, 11 મે 2026: Fire breaks out at GST (DGGI) office શહેરના પોશ વિસ્તાર એવા વીઆઈપી રોડ પર જીએસટીની ડિજીજીઆઈની કચેરીમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગ જીએસટી કચેરીના ચોથા માળે આવેલા રેકર્ડરૂમમાં લાગી હતી. તેના લીધા મહત્વના દસ્તાવેજો અને ફાઈલો બળીને ખાક થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વીઆઈપી રોડ પર આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં આજે સોમવારે સવારે અચાનક આગ ફાટી નિકળી હતી. કચેરીના સિક્યુરિટીએ આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરી હતી. આગ ઓફિસના ચોથા માળે આવેલા રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઈલો બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને ભારે જહેમત બાદ બે કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલા વ્હાઈટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે DGGIની ઓફિસ આવેલી છે. આજે સોમવારે સવારે 9:21 કલાકે જ્યારે ઓફિસ શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે રેકોર્ડ રૂમમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે બિલ્ડિંગમાં રહેલા કર્મચારીઓ અને લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. આગની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સહિત ત્રણ ફાયર સ્ટેશનની 6થી વધુ ગાડી અને ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ધુમાડો વધુ હોવાથી ઓક્સિજન માસ્ક પહેરી કામગીરી કરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ રેકોર્ડ રૂમમાં રહેલી ફાઈલોને આગ અને પાણીના કારણે વ્યાપક નુકસાન થયું છે.
આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યુ નથી, જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. GST જોઈન્ટ કમિશનર ગુરુશ મથારુ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

