Site icon Revoi.in

સુરતમાં EVના શો રૂમમાં લાગેલી આગ બાજુની દુકાનોમાં પ્રસરી, 15 વાહનો બળીને ખાક

Social Share

સુરત, 18 જુન, 2026 : Fire breaks out in EV showroom  શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે ગુરૂવારે ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીકના એક ઇલેક્ટ્રિક વ્હીકલના (EV) શો-રૂમમાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગે આજુબાજુની દૂકાનોને પણ લપેટમાં લેતા અફરાતફરી મચી ગઈ હતી, આગને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. ફાયરના 10 જેટલા બંબામાંથી ચારેય તરફ પાણીનો ભારે મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં 10 જેટલા વાહનો બળીને ખાક થયા હતા.

આગના બનાવની વિગત એવી છે કે, શહેરના અડાજણ વિસ્તારમાં બીએપીએસ હોસ્પિટલ નજીક આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા આગે આજુબાજુની દુંકાનોને પણ લપેટમાં લીધી હતી. અને આગ બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને એક રેસ્ટોરન્ટને પણ ઝપેટમાં લીધી હતી આગ એટલી પ્રચંડ હતી. કે પતરાના શેડમાં બનાવવામાં આવેલી આ દુકાનોમાં લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું હતું અને જોતજોતામાં નમી પડ્યું હતું. માળખું નમી પડવાને કારણે આસપાસના લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શો-રૂમમાં મૂકેલા વાહનો પણ આગની ચપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની અલગ-અલગ પાંચ સ્ટેશનોની 10થી વધુ ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ આગ વધુ ન પ્રસરે તે માટે ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

Exit mobile version