Homeગુજરાતીદેશ-વિદેશટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસ: લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર્સ રાજસ્થાનના કોટામાંથી ઝડપાયા

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસ: લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર્સ રાજસ્થાનના કોટામાંથી ઝડપાયા

મુંબઈ, 19 ઓક્ટોબર 2026: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં રાજસ્થાનની કોટા સિટી પોલીસે મોટી સફળતા મેળવતા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપીઓ મુંબઈથી દિલ્હી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેઓ ઝડપાઈ ગયા. કોટાના એસપી તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે, સોમવારે સવારે પોલીસને બાતમી મળી હતી કે ટાઇગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં સંડોવાયેલા મુખ્ય શૂટર્સ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે અને કોટા પહોંચવાના છે.

માહિતી મળતાની સાથે જ કોટા સિટી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે માત્ર 15 મિનિટની અંદર જાળ બિછાવીને પૂણે-જયપુર એક્સપ્રેસના જનરલ ડિબ્બામાં સઘન તલાશી લીધી હતી અને ત્રણેય સંદિગ્ધોને દબોચી લીધા હતા. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેમને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. ધરપકડ કરાયેલા રહેાન ઉર્ફે સુકખા, ઋતિક ઉર્ફે રોશન અને એક સગીરને ઝડપી લેવામાં આવ્યો હતો. મુખ્ય શૂટર રેહાન હરિયાણાના સોનીપતનો રહેવાસી છે અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હતો. તેમજ આરોપી સામે આર્મ્સ એક્ટ સહિત અનેક ગુનામાં સંડોવાયેલો હતો. જ્યારે બિહારનો રહેવાસી ઋતિકે મુંબઈમાં શૂટર્સને લોજિસ્ટિક મદદ પુરી પાડી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે ફાયરિંગ બાદ આરોપીઓ સુરત તરફ ભાગ્યા હતા અને ત્યાંથી પૂણે-જયપુર ટ્રેન પકડી હતી. મુંબઈ પોલીસે તેમની લોકેશન ટ્રેક કરીને તુરંત જ રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે કોટા સ્ટેશન પર આ સફળતા મળી. CM ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે મુંબઈ પોલીસ કસ્ટડી મેળવીને આરોપીઓને મુંબઈ લાવશે. આ કાવતરા પાછળ કોણ-કોણ સામેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને દોષિતોને કોઈપણ ભોગે બક્ષવામાં નહીં આવે.

  • 10 દિવસથી ચાલતી રેકી અને ટેક્નોલોજીનો ઉપયોગ

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, શૂટરોએ છેલ્લા 10 દિવસથી ટાઇગર શ્રોફના ઘર અને તેમના જિમની રેકી કરી હતી. તેઓ પેપારાઝી અને બ્લોગર્સના સોશિયલ મીડિયા વીડિયોઝ દ્વારા ટાઇગરના લોકેશન પર નજર રાખતા હતા. તેમજ આરોપીઓ સતત પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતા. સિગ્નલ અને ટેલિગ્રામ એપ દ્વારા મેસેજ અને લોકેશન શેર કરવામાં આવતાં હતાં. મુખ્ય શૂટર રેહાન અનિલ પંડિતના સંપર્કમાં હતો, જેના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસ એજન્સીઓને મળ્યા છે. પોલીસે હાલ ત્રણેયની ધરપકડ કરી લીધી છે, જોકે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર હજુ સુધી જપ્ત થયું નથી. મુંબઈ પોલીસની ટીમ કોટા પહોંચી ગઈ છે અને આગળની પૂછપરછ તથા હથિયારની શોધખોળ માટેની કાર્યવાહી ચાલુ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular