Site icon Revoi.in

અડાલજ નજીક નર્મદા કેનાલમાં મિત્રને બચાવવા 5 મિત્રોએ છલાંગ લગાવી, 3ના મોત

Social Share

ગાંધીનગર, 6 જુલાઈ, 2026 5 friends jumped into the Narmada Canal to save a friend; 3 died. અડાલજ નજીકના એક ફાર્મમાં દસેક જેટલા મિત્રોએ રાત્રિના સમયે તુવેર ટોઠાની પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી પૂર્ણ થયા બાદ 5 યુવાનો પોતાના ઘેર જવા રવાના થઈ ગયા હતા. ત્યારે બાકીના 5 યુવાનો બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર લટાર મારવા નિકળ્યા હતા. જેમાં એક યુવાને તરતા આવડતું હોવાનું કહીને કેનાલમાં છલાંગ લગાવી હતી. આથી કેનાલના ધસમસતા પ્રવાહમાં ડૂબી રહેલા એક મિત્રને બચાવવાના ચક્કરમાં એક પછી એક અન્ય ચાર મિત્રોએ પણ પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.  આ દુર્ઘટનામાં બે મિત્રો ગમે તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે ત્રણ આશાસ્પદ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોતને ભેટ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે,  અમદાવાદના ગોતા અને ગાંધીનગરના અડાલજ વિસ્તારના દસેક જેટલા મિત્રોએ રાત્રિના સમયે એક ફાર્મમાં તુવેર ટોઠાની પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં બધાએ સાથે મળીને ભોજન લીધું હતું. પાર્ટી પત્યા બાદ અન્ય મિત્રો પોતપોતાના ઘરે રવાના થઈ ગયા હતા પરંતુ, હર્ષ કેતનભાઈ પ્રજાપતિ (ઉ.વ. 21, રહે. અડાલજ), કૌશિક રમણજી ઠાકોર (ઉ.વ. 20, રહે. અડાલજ) અને અર્પિત ભીખાભાઈ પટેલ (રહે. ગોતા) સહિત પાંચ મિત્રો મધરાતે આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં અડાલજ-ઝુંડાલ નર્મદા કેનાલ પર લટાર મારવા નીકળ્યા હતા. દરમિયાન કેનાલ કિનારે ઊભા રહીને મિત્રો વચ્ચે અચાનક તરવાની આવડત અને હોશિયારીને લઈને વાકયુદ્ધ છેડાયું હતું. આ ચર્ચા-ચર્ચામાં અતિ આત્મવિશ્વાસમાં આવીને એક મિત્રએ નહાવા માટે કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. રાત્રિના ઘનઘોર અંધકાર અને કેનાલના તીવ્ર પ્રવાહ વચ્ચે મિત્ર પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા માટે બીજો મિત્ર અંદર કૂદ્યો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તે પણ ગરકાવ થવા લાગ્યો. આ ભયાનક દ્રશ્ય જોઈને કિનારે ઉભેલા અન્ય ત્રણ મિત્રો હર્ષ, કૌશિક અને અર્પિત પણ પોતાના ભાઈબંધોનો જીવ બચાવવાના ઈરાદાથી એક પછી એક કેનાલમાં કૂદી પડ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં પાંચેય મિત્રો તણાઈ રહ્યા હતા અને એકબીજાને બચાવવા મથી રહ્યા હતા. આ કટોકટીની પળોમાં બે મિત્રો જેમ તેમ કરીને કેનાલના કિનારે પહોંચવામાં સફળ રહ્યા અને બહાર નીકળી ગયા. પરંતુ હર્ષ, કૌશિક અને અર્પિત કેનાલના ઊંડા વહેણમાં ગરકાવ થઈ જતા ત્રણેયના મોત નિપજ્યા હતા.  પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version