Site icon Revoi.in

રાજકોટના હીરાસર એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

રાજકોટ, 9 જુન, 2026 : Flight makes emergency landing due to bird hit  શહેરના હીરાસર ગામ નજીક આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ સમયે પક્ષી અથડાતા (બર્ડહીટ) ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાતા પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની  ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન રનવે પરથી હવામાં ફંટાયું કે તુરંત જ એક પક્ષી સીધું એન્જિનના પંખા સાથે અથડાયું હતું. પક્ષી ખૂબ જ સ્પીડમાં અથડાવાને કારણે વિમાનના એન્જિન ફેનની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની ચેતવણી મળી ગઈ હતી. હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ પાયલોટે જરાય ગભરાયા વિના સમયસૂચકતા વાપરીને વિમાન પર કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લીધું હતું. પાયલોટની આ ત્વરિત કામગીરીના કારણે દુર્ઘટના થતાં અટકી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં એર ઈન્ડિયાના વિમાનના પંખા (એન્જિન ફેન બ્લેડ)ને મોટું નુકસાન થયું હોવાની વિગતો એન્જિનિયરો દ્વારા સામે આવી છે. અને હાલ વિમાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

 

Exit mobile version