
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. દેશ-વિદેશના રંગ-બેરંગી અને જાત જાતના ફુલોને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા હોય છે. હાલ ફ્લાવર શોને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. 8 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ શોમાં 7 લાખ જેટલા પ્લાન્ટ્સ જોવા મળશે. જેમાં આફ્રિકા, જાપાન તેમજ અન્ય દેશોમાંથી પણ ફ્લાવર-પ્લાન્ટ આવશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને વિદેશથી આવતા ફૂલ-છોડ માટે ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ પણ લેવામાં આવી રહ્યું છે. અંદાજે અઢી કરોડના ખર્ચે 9મા ફ્લાવર શોનું આયોજન થવા જઈ રહ્યું છે. ફ્લાવર શો માં વિવિધ રંગી ફૂલો તેની આસપાસની નયનરમ્ય લાઇટિંગથી વધુ શોભી ઊઠે છે. રિવરફ્રન્ટની પાસે સહપરિવાર ફ્લાવર શોમાં વિવિધ સ્થળે ગોઠવાયેલા આકર્ષક સ્કલ્પચર પણ લોકોને મંત્રમુગ્ધ કરતા આવ્યાં છે.
અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા શહેરના રિવરફ્રન્ટ પર આગામી તા. 8મી જાન્યુઆરીથી નવમા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં સાત લાખ જેટલા પ્લાન્ટ્સ જોવા મળશે. શો માટે યુરોપ, અમેરિકા, આફ્રિકા અને જાપાન સહિતના દેશોમાંથી પ્લાન્ટસ આવશે. જેમ કોરોનામાં લોકોએ ક્વોરન્ટાઇન થવું પડે છે તેવી જ રીતે ફિલીપિન્સના મેડિલીના, એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાના અજેલિયા પ્લાન્ટ્સ તેમજ જાપાનના ક્વિન્સ સહિતના ફૂલ છોડ માટે ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગત વર્ષે દિવાળી બાદ કોરોનાએ નવેમ્બર – ડિસેમ્બરમાં શહેરમાં રીતસરનો ફફડાટ ફેલાવ્યો હતો એટલે ફ્લાવર શોને પડતો મૂકવા સિવાય મ્યુનિ. પાસે કોઈ જ અન્ય વિકલ્પ બચ્યો ન હતો. પરંતુ આ વર્ષે જૂન મહિના બાદ કોરોના હળવો થતાં સત્તાવાળાઓએ ફ્લાવર શોની ફાઇલ પરની ધૂળને ખંખેરીને નવેસરથી દરખાસ્ત તૈયાર કરી હતી.જેને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી હતી.