ધો. 10 બાદ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે 16મીથી 14મી જુન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
અમદાવાદ: ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા. 16 મે થી તા.14 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10નાપરિણામ પહેલા જ ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે,. ACPDC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું 21 જૂનના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ મોક રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ 21 જૂનથી 25 જૂન સુધી હાથ ધરાશે. મોક રાઉન્ડનું પરિણામ 28 જૂને જાહેર થશે. જ્યારે ફાઇનલ મેરીટ લિસ્ટ 30 જૂને જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારો દ્વારા પસંદગી ભરવી તેમજ ફેરફાર 30 જૂનથી 3 જુલાઈ દરમિયાન કરી શકાશે. રાઉન્ડ 1નું એલોટમેન્ટ લિસ્ટ 6 જુલાઈએ જાહેર થશે. વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ 6 થી 10 જૂલાઈ સુધીમાં નિશ્ચિત કરવાનો રહેશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો અંગે જાહેરાત કરી, બીજો રાઉન્ડ હાથ ધરાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું શૈક્ષણિક સત્ર 15 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ACDPC ના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના સમયે વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર અને આઇટી ક્ષેત્રે તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ડિપ્લોમા એન્જીનીયરીંગ તરફ વધુમાં વધુ ઝુકાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કુલ 68,161માંથી 60 ટકા જેટલી બેઠકો ભરાઈ હતી, એટલે કે 41,165 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો, જ્યારે 27,005 બેઠકો ખાલી રહી હતી. રાજ્યની સરકારી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં 20,737 બેઠકોમાંથી 14,367 ભરાઈ હતી જ્યારે 6370 બેઠકો ખાલી રહી હતી. તો ગ્રાન્ટેડ કોલેજોમાં 1515 બેઠકમાંથી 1444 બેઠકો ભરાતા માત્ર 71 બેઠકો ખાલી રહી હતી. બીજી તરફ ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં ઉપલબ્ધ 45,386 માંથી 25,109 બેઠકો ભરાતા 20,277 બેઠકો ખાલી રહી હતી.