ઈઝરાયેલના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી,બન્ને દેશના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી
- ઈઝરાયેલના વિદેશમંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
- રક્ષામંત્રા અને તેમના સમક્ષ જયશંકર સાથે પણ કરી મુલાકાત
દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.આ સહીત પીએમ મોદી સાથે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ અબ્રાહમ એકોર્ડના વિસ્તરણ અને મુક્ત વેપાર કરારને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરી. બંને દેશોએ I2U2માં થયેલી પ્રગતિની નોંધ લીધી અને સુરક્ષા, અર્થતંત્ર, ટેકનોલોજી, નવીનતા, કનેક્ટિવિટી અને આરોગ્યમાં સહકાર પર વ્યાપક ચર્ચાઓ કરી.
આ સહીત આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ભારતીય કુશળ કામદારોને ઇઝરાયેલમાં કામચલાઉ નોકરીઓ મેળવવા માટે ખુલ્લી મુકવામાં આવી છે. બંને દેશો વચ્ચે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે શરૂઆતમાં 42,000 ભારતીય કામદારોને ઈઝરાયેલમાં બાંધકામ અને નર્સિંગ ક્ષેત્રે કામ કરવાની તક આપશે.ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે બાંધકામ ક્ષેત્રે 34 હજાર કામદારો અને અન્ય આઠ હજાર નર્સિંગની જરૂરિયાતો માટે કામ કરશે. ભારતની મુલાકાતે આવેલા એલી કોહેને મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અલગ-અલગ બેઠક કરી હતી.
પીએમ સાથેની મુલાકાત બાદ કોહેને ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે. “ભારત એક વિશ્વ શક્તિ, પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. મેં PM મોદી સાથે દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા, અબ્રાહમ સમજૂતીને વિસ્તારવા અને મુક્ત વેપાર કરારને પ્રોત્સાહન આપવા વિશે વાત કરી હતી જે ઇઝરાયેલની અર્થવ્યવસ્થાને વેગ આપશે. “આ સહીત બંને દેશોએ ભારતમાં બે વોટર ટેક્નોલોજી કેન્દ્રો સ્થાપવાના ઉદ્દેશ્ય પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા.
વધુમાં વિદેશ મંત્રી કોહેને CII ઈન્ડિયા-ઈઝરાયેલ બિઝનેસ ફોરમ પણ ખોલ્યું. ઈવેન્ટ દરમિયાન ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને રાષ્ટ્રોના વેપારી સમુદાયો વચ્ચે સહકાર અને ભાગીદારીના નવા યુગને ચિહ્નિત કરે છે.
ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી કોહેનની હાજરીમાં ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસ દ્વારા વર્લ્ડ ઓન વ્હીલ્સ નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ ભાગોમાં ડિજિટલ સાક્ષરતા, વ્યક્તિત્વ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તાલીમની સુવિધા આપવાનો છે. શિક્ષણ ક્ષેત્રે ભારતમાં સ્થાનિક ભાગીદારો સાથે દૂતાવાસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઘણા પ્રોજેક્ટ્સમાંથી આ એક છે.