
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરમને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. બંને બાળકોને જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાંદીપુરમ વાયરસ તાવ, ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા)નું કારણ બને છે. આ વાયરસ પેથોજેનિક રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. આ મચ્છર અને માખીઓ જેવા રોગ વાહકોને કારણે ફેલાય છે. સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે ચાર બાળકોના મોતને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તમામ છ બાળકોના જરુરી નમૂના તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતારિયાએ જણાવ્યું હતું કે, તમામ છ બાળકોના લોહીના નમૂનાઓ પુષ્ટિ માટે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં મોકલવામાં આવ્યા છે અને તેમના પરિણામોની રાહ જોવાઈ રહી છે. 10 જુલાઈના રોજ ચાંદીપુરમ વાઈરસના કારણે ચાર બાળકોના મોત બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ શંકા વ્યક્ત કરી હતી.
સુતરિયાએ જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા છે. એવું લાગે છે કે તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત છે. મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાના અને બે પડોશી અરવલી જિલ્લાના હતા. ચોથો બાળક રાજસ્થાનનો હતો. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે બાળકો પણ રાજસ્થાનના છે.
મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, રાજસ્થાનના અધિકારીઓને બાળકોના મૃત્યુ અંગે જાણ કરવામાં આવી છે. “અમે મૃત્યુ પામેલા ચાર બાળકોના સહિત તમામ છ નમૂનાઓ પુણે સ્થિત NIV ને મોકલી દીધા છે.” ચેપને રોકવા માટે, જિલ્લા સત્તાવાળાઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં માખીઓને મારવા માટે નિવારક પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.