ડિજિટલ યુગમાં હેકિંગ અને સાઈબર ક્રાઈમ સૌથી મોટી પડકારરૂપ સમસ્યા બની ગઈ છે. સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સથી લઈને મોટી કંપનીઓ સુધી હેકર્સના નિશાને છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, થોડી સાવચેતી રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે. ચાલો જાણીએ સાઈબર ફ્રોડથી સુરક્ષિત રહેવા માટેના આ ચાર સ્ટેપસ…
મજબૂત પાસવર્ડ અને 2FAનો ઉપયોગઃ નબળા પાસવર્ડ હેકર્સ માટે સૌથી સહેલું ટારગેટ છે. બેન્કિંગ એપ્સથી લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી હંમેશાં મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. સાથે જ *ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) જરૂરથી ચાલુ કરવું, જે સુરક્ષાની વધારાની પરત આપે છે.
ઇન્ટરનેટ બ્રાઉઝિંગમાં સાવચેત રહોઃ હંમેશાં ધ્યાન રાખો કે વેબસાઈટનો URL https\:// થી શરૂ થતો હોય. આ ડેટાને એન્ક્રિપ્ટ કરે છે. પબ્લિક વાઈ-ફાઈ વાપરતી વખતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. જો કોઈ સાઇટ પર સતત પોપ-અપ્સ આવે કે અનિચ્છનીય ફાઇલ્સ ડાઉનલોડ થવા લાગે તો તરત જ તે સાઇટ છોડવી.
ડેટાનો નિયમિત બેકઅપ લોઃ મોબાઈલ કે કમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટા હેકિંગ, વાયરસ કે ડિવાઈસ ખરાબ થવાથી ક્યારે પણ ગુમ થઈ શકે છે. તેથી ડેટાનો નિયમિત બેકઅપ જરૂરી છે. *ઓટોમેટિક બેકઅપ* સેટ કરવાથી રેન્સમવેર જેવા હુમલામાં પણ ડેટા સુરક્ષિત રહેશે.
એપ્સને અનાવશ્યક પરમિશન ન આપોઃ હંમેશાં ઓફિશિયલ સોર્સમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો. ઘણીવાર એપ્સ બિનજરૂરી પરમિશન માગે છે, જેના મારફતે હેકર્સ વ્યક્તિગત માહિતી સુધી પહોંચી શકે છે. તેથી એપ્સની પરમિશન ચકાસો અને ફક્ત જરૂરી એક્સેસ જ આપો.
નિષ્ણાતો કહે છે કે સાઈબર ગુનાઓથી બચવું મુશ્કેલ નથી, ફક્ત થોડી જાગરૂકતા અને યોગ્ય ટેવ અપનાવવાની જરૂર છે. આ સરળ ટીપ્સથી ડેટા સુરક્ષિત રહી શકે છે અને ઓનલાઇન જગતમાં નિર્ભયતાથી આનંદ માણી શકાય છે.