Site icon Revoi.in

કાકરાપાર ડેમમાં માછીમારી કરવા ગયેલા ચાર યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

Social Share

સુરત, 12 મે 2026 : Four youths drown in Kakrapar dam જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે માછીમારી કરવા ગયેલા ચાર મિત્રો પૈકી એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા અન્ય ત્રણ મિત્રો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને ડેમમાં ડૂબી ગયેલા ચારેય યુવાનોની શાધખોળ શરૂ કરી હતી. ફાયર બ્રિગેડે એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે, જ્યારે ત્રણ યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે.

આ બનાવની વિગત એવી છે કે,  ચાર મિત્રો રજાના દિવસે માછીમારી કરવાના આશયથી કાકરાપાર ડેમ પર ગયા હતા. માછીમારી દરમિયાન અચાનક એક યુવક પગ લપસતા અથવા અંદાજ ન રહેતા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. પોતાના મિત્રને મરણિયા પ્રયાસો કરતો જોઈ, બાકીના ત્રણ મિત્રોએ જીવના જોખમે તેને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, પાણીના જોરદાર પ્રવાહ અને ઊંડાઈને કારણે બચાવવા ગયેલા ત્રણેય મિત્રો પણ પોતાની જાતને સંભાળી શક્યા નહીં અને ચારેય મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરાતા માંડવી પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચાલેલી ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. હજુ પણ અન્ય ત્રણ યુવકોની ભાળ મળી નથી. ફાયર વિભાગ દ્વારા બોટ અને તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એકસાથે ચાર યુવાનોના ડૂબવાની આ ઘટનાથી સમગ્ર માંડવી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારજનોના આક્રંદથી કાકરાપાર ડેમનો કિનારો ગમગીન બની ગયો છે.

Exit mobile version