Site icon Revoi.in

નવા શૈક્ષણિક સત્રથી ધો. 1, અને 6થી 8 તેમજ 12ના પાઠ્ય-પુસ્તકો બદલાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1 અને 6થી8ના નવા પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમજ ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. તમા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી નવા પાઠ્ય પુસ્તકો મળી રહે તે માટે પાઠ્ય-પુસ્તક મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફરેફરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો નવાં તૈયાર કરવામાં આવ્યાં છે, પુસ્તકોમાં નવા પ્રકરણો ઉમેરીને એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધો. 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનાં પુસ્તક બદલાશે. તેમજ ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે. ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાઠ્ય પુસ્તકોમાં બદલાવ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ વધુ સુદૃઢ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ વિભાગ ન્યૂ એજ્યુકેશન પોલિસીને લઈ સતત ટેક્સ્ટ બુક અપડેટ્સ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે આ ફેરફાર કરવામાં આવ્યો છે.