1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરઃ ચંદનના લાકડા વેચવા જતાં પાંચ શખસ ઝડપાયા, કાર સાથે 5 લાખનું લાકડું જપ્ત
ગાંધીનગરઃ ચંદનના લાકડા વેચવા જતાં પાંચ શખસ ઝડપાયા, કાર સાથે 5 લાખનું લાકડું જપ્ત

ગાંધીનગરઃ ચંદનના લાકડા વેચવા જતાં પાંચ શખસ ઝડપાયા, કાર સાથે 5 લાખનું લાકડું જપ્ત

0
Social Share

ગાંધીનગરઃ જિલ્લાનાં મહુડી-ફતેહપુરા રોડ પરથી ઈકો કારમાં સુખડ ચંદનના લાકડાનો જથ્થો ભરીને ડીલીવરી આપવા માટે નીકળેલા તસ્કરોને ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડી રૂ. 5.34 લાખની કિંમતનું ચંદન જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે રાત્રિ કરફ્યુની અમલવારી માટે પોલીસને મોરચો સંભાળી લેવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કડક સૂચનાઓ આપી હતી. ત્યારે એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમ ગત મધ્યરાત્રિ દરમિયાન પેટ્રોલીંગ માટે પેથાપુર પોલીસ મથકની હદમાં કાર્યરત હતી. ત્યારે બાતમી મળી હતી કે મહુડીથી ફતેહપૂરા થઈ ગાંધીનગર તરફ ઈકો ગાડીમાં પ્રતિબંધિત સુખડ-ચંદનનાં લાકડાની હેરફેર થવાની છે. જેનાં પગલે એસીબીના કાફલાએ ફતેહપૂરા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ઘણીવાર રાહ જોયા પછી બાતમી મુજબની ઈકો કાર દૂરથી દેખાતા તેને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત પાંચ ઈસમો બેઠા હતા.

ગાંધીનગર એલસીબીની ટીમે કારની તલાશી લેતાં અંદરથી કંતાનનાં કોથળામાં ભરેલા સુખડ-ચંદનનાં લાકડાંના ટુકડા મળી આવ્યા હતા. જેનાં પગલે બોરિજ રેન્જના વન અધિકારીને બોલાવી ચંદનના લાકડાની ખરાઈ કરી કિંમત નક્કી આંકવામાં આવતાં એક કિલો ચંદનના લાકડાની કિંમત રૂ. 3 હજાર પ્રમાણે કુલ 178 કિલોગ્રામ જથ્થાની કિંમત રૂ. 5 લાખ 34 હજાર ગણવામાં આવી હતી.

ગાંધીનગર પોલીસે ચંદનના લાકડાં સાથે પકડાયેલા પાંચેય ઈસમોની પૂછતાંછ શરૂ કરાતાં તેમણે પોતાના નામ મહંમદ હનીફ મુનિરમીયાં અલ્લાહમિયાં મલેક, અશોક પૂનમભાઈ તળપદા, સુરેશ ગોરધનભાઈ તળપદા, જયંતિ કાંતિભાઈ તળપદા અને અરવિંદ મગનભાઈ તળપદા હોવાનું જણાવ્યું હતું. તેમજ ઉક્ત ચંદન સતલાસણા તાલુકાના એક ગામમાંથી કાપી લાવ્યાની કબૂલાત કરી હતી. ચંદનના લાકડાંનો આ જથ્થો લખાપૂરના જયંતિ ઈશ્વરભાઈ તળપદાને આપવા જતા હતા. તેમજ ચંદનની હેરફેર દરમિયાન પકડાઈ ન જવાય તે માટે ઈકો કાર ભાડે રાખી હોવાની પણ કેફિયત વર્ણવી હતી. જે અન્વયે એલસીબીએ રૂ. 5.34 લાખની કિંમતનું સુખડ ચંદન, ઈકો કાર મળી રૂ. 9.34 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેયની ધરપકડ કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code