1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળ કારીગરોએ બનાવેલી વસ્તુઓનું ચાલુ વર્ષે 25 કરોડનું વેચાણ થવાનો અંદાજ
ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળ કારીગરોએ બનાવેલી વસ્તુઓનું ચાલુ વર્ષે 25 કરોડનું વેચાણ થવાનો અંદાજ

ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળ કારીગરોએ બનાવેલી વસ્તુઓનું ચાલુ વર્ષે 25 કરોડનું વેચાણ થવાનો અંદાજ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમનું સફળ અમલીકરણ કર્યુ છે. નિગમના વેચાણ કેન્દ્રો એટલે કે ગરવી-ગુર્જરી એમ્પોરિયમમાં ERP સિસ્ટમ કાર્યાન્વિત થતાં હસ્તકલા-હાથશાળ કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના બારકોડિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ હવે નિગમ માટે ગરવી-ગુર્જરીમાં વેચાણ થતા માલ-સામાનનું ટ્રેકિંગ તથા માંગમાં રહેલી એટલે કે ડિમાંડિંગ આઇટમની ઓળખ કરવાનું કામ સરળ બની ગયું છે.

પીએમ મોદી તમામ દેશવાસીઓને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘વોકલ ફોર લોકલ’ નું આહ્વાન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ સ્થાનિક કારીગરો અને કસબીઓની કલાકૃતિઓના વેચાણને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નશીલ છે, ત્યારે આ ERP સિસ્ટમના અમલીકરણથી રાજ્યના કારીગરોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) ના પાંચ યુવાનો સાથે મીટિંગ પણ કરી હતી, જેઓ રાજ્ય સરકારના ઉપક્રમ ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનિંગ પ્રોજેક્ટમાં સહયોગ કરશે.

નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે નિગમ સંચાલિત ગરવી ગુર્જરીમાં ERP સિસ્ટમનું અમલીકરણ થતાં ઉત્પાદનોના રિબ્રાન્ડિંગ તથા રિપૉઝિશનિંગનું કામ સરળ બન્યું છે. ERPના અમલીકરણથી ગરવી ગુર્જરીની કામગીરીમાં નોંધપાત્ર પરિવર્તન આવવાં લાગ્યા છે. નવી ERP સિસ્ટમ દ્વારા નિગમની ચીજ-વસ્તુઓની યાદીના સંચાલનમાં સરળતા અને યાદીના સંગ્રહમાં સમયનો બચાવ થવાથી કામગીરી ઝડપી બની અને બિનકાર્યક્ષમતા દૂર થઈ છે.

શરૂઆતમાં નિગમના 20 એમ્પોરિયમ અને 6 ટીસીપીસીમાં હયાત 3,11,413 ચીજ-વસ્તુઓને બારકોડેડ સજ્જ કરવામાં આવી. નિગમના તમામ એમ્પોરીયમમાં અન્ય ચીજ-વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, જેમાં કુલ 3,11,413 બારકોડેડ ચીજ-વસ્તુઓ અને કુલ 21,507 SKUs ઉપલબ્ધ છે. સામાનનું બારકોડિંગ થવાથી એ બાબતની આગોતરી માહિતી મળી રહે છે કે સંબંધિત સામાનની કેટલી માંગ છે, કેટલું વેચાણ છે અને તેના આધારે તેના ઉત્પાદન તથા સંગ્રહનો નિર્ણય કરવામાં મદદ મળે છે.

ERP સિસ્ટમ દ્વારા ડેટા એનાલિસિસ કરાતાં આવનાર સમયમાં જે ચીજ-વસ્તુઓનું વેચાણ વધુ થવાનું હોય, તેનું સચોટ અનુમાન લગાવી શકાય છે, તેમજ બિનજરૂરી ચીજ-વસ્તુ કે જેનું વેચાણ ખૂબ જ નહીવત્ છે તેનો વધુ સંગ્રહ નિવારી શકાય છે. આ સિસ્ટમ થકી નિગમને ડિમાંડિંગ આઇટમોની ઓળખ કરવામાં અનુકૂળતા મળી છે. હાલમાં ડિમાંડિંગ આઇટમ તરીકે સાડી, દુપટ્ટો, બૅડશીટ, હોમ ડેકોર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. નિગમે ગરવી-ગુર્જરી થકી ગત વર્ષે રૂ.13 કરોડનું વેચાણ કર્યુ છે કે જેને ચાલુ વર્ષે રૂ. 25 કરોડ પર લઈ જવાનું લક્ષ્ય છે.

ERP સિસ્ટમ થકી ડેટા એનાલિસિસ કરી આવનારા સમયમાં જરૂર પડનારી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન આગોતરું કરી શકાય છે અને ચીજ-વસ્તુઓના વેચાણમાં વધારો કરી નિગમની આર્થિક સદ્ધરતા હાંસલ કરી શકાય છે, જેના પરિણામે અવ્યવસ્થિત કાર્યપ્રવાહ અને લઘુત્તમ ઉત્પાદનના અવરોધો દૂર થાય છે.

ERP સિસ્ટમ નિગમની ખરીદીની સંપૂર્ણ માહિતી અને નિગમના એમ્પોરિયમ સાથે કેન્દ્રીયકૃત સંદેશાની આપ-લેથી દ્વારા ગ્રાહકો સાથેના સબંધ વધુ સક્ષમ કરે છે. ભવિષ્યમાં આ સિસ્ટમ ગ્રાહકોની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ અને સુધારેલ ગ્રાહક સંતોષમાં પરિવર્તન લાવી શકે તેમ છે. ERP સિસ્ટમ નિગમના એમ્પોરિયમ સુધી કામ કરી રહી છે. જે દરેક એમ્પોરિયમની કામગીરી તથા સૌથી વધુ વેચાણની ચીજ-વસ્તુઓ અને સૌથી ઓછા વેચાણની ચીજ-વસ્તુઓની વિગતોથી માહિતગાર કરે છે. આ માહિતીથી સજ્જ સિસ્ટમ નિગમના સ્ટોર વિશ્લેષણની વ્યૂહરચના બનાવી શકે છે, ઉત્પાદિત જથ્થાની ભરપાઈ માટે માહિતી આધારિત નિર્ણયો લઈ શકે છે અને અંતે વેચાણમાં વધારો કરી શકે છે.

TCPC સ્તરે, ERP સિસ્ટમનો પ્રભાવ ખૂબ મહત્વ ધરાવે છે તેમજ ચીજ-વસ્તુઓની ખરીદી માટે ખરીદ રેકૉર્ડને ટ્રેક કરવા, યાદી સંચાલનને વધુ સારુ બનાવવા તેમજ ખરીદી જાણકારના નિર્ણયો માટે એક વ્યાપક ડિજિટલ વ્યવસ્થાની જોગવાઇ કરી છે. TCPC સ્તર પર ERP ડેશબોર્ડ ઉત્પાદન વિગતો, પ્રાપ્તિ વિગતો, સામગ્રીની વિગતો અને કારીગરોની માહિતી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે.

લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે ERPના અસરકારક અમલીકરણમાં IIM બેંગલુરુના ઇન્ટર્ન પ્રશાંત સી. તથા નિગમના આસિસ્ટન્ટ મૅનેજર મૌલિક પટેલની મહત્વની ભૂમિકા રહી છે. પ્રશાંતે એન્જીનિયરિંગ-પ્રોડક્શન ક્ષેત્રની વૈશ્વિક કંપની એલ્સ્ટોમમાં પોતાના કાર્યકાળના અનુભવનો ઉપયોગ ગરવી-ગુર્જરીમાં ERP સિસ્ટમ લાગુ કરવામાં કર્યો. તેમનો એક્સપોઝર ગેમ ચેન્જર સાબિત થયો. તેવી જ રીતે મૌલિક પટેલના નેતૃત્વ હેઠળ ગરવી-ગુર્જરી ટીમમાં પરંપરાગત પદ્ધતિઓમાંથી ટેક્નોલૉજી સાથે સજ્જ માળખા તરફ જવાનો માર્ગ મોકળો થયો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code